હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે વાડીના વાડ પાસે જેસીબી ચલાવવાની ના પાડતા ઉશ્કેરાયેલ ચાર શખ્સો દ્વારા ખેડૂત સાથે ઝપાઝપી કરી જેસીબીનું બકેટ નીચે કરી ખેડૂતના પરિવારના મહિલા સહિતના સભ્યોને ઇજાઓ પહોંચાડી હતી.
જાણવા મળતી વિગતો મુજબ હળવદના નવા માલણીયાદ ગામે રહેતા હસમુખભાઈ જીવણભાઈ પરમાર દ્વારા નવા માલણીયાદ ગામના કાંતીલાલ દલસુખભાઈ પરમાર, ચેતનભાઈ દલસુખભાઈ પરમાર, પ્રભુભાઈ ગોરધનભાઈ ચાવડા તથા ભગવાનભાઈ મુળજીભાઈ પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં ગઈ તા.૦૧/૦૧ના રોજ રાત્રીના ૮ વાગ્યે બનેલ બનાવમાં હસમુખભાઈના વાડીનાં શેઢે રસ્તાં પાસે જે.સી.બી.મશીન થી કામ ચાલતું હોય જેથી જે.સી.બી.ચાલકને વાડીની વાડ તરફ મશીન નહી ચલાવવાનું કહેતાં જે બાબતે આરોપીઓએ હસમુખભાઈને ગાળો આપેલ અને તેની સાથે ઝપાઝપી કરેલ ત્યારબાદ આરોપી કાંતિલાલે જે.સી.બીનાં ડ્રાઈવરને શીટ ઉપરથી હટાવી પોતે ડ્રાઈવિંગ કરવા લાગેલ ત્યારે હસમુખભાઈ અને તેના પરિવારના સભ્યોએ મશીન રોકવાનું કહેવા છતાં આરોપીએ જાણી જોઈને મશીનનું ડ્રાઈવિંગ કરી સાહેદ અક્ષય ઉભો હતો તેનાં ઉપર જે.સી.બી.નું બેકેટ લઈ આવી માથામાં મુંઢ ઈજા કરેલ તેમજ હસમુખભાઈની પત્ની પણ બેકેટ સાથે અથડાયેલ અને તેને પણ મુઢમાર વાગેલ આમ આરોપીઓએ ગુનો કરવામાં એકબીજાની મદદગારી કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. હાલ.હળવદ પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.