હળવદમાં આંબેડકર કોમ્પ્લેક્ષ સામે આવેલ પાનનાં ગલ્લે સિગરેટ પીવા આવેલ યુવક ઉપર અગાઉની અદાવતનો ખાર રાખી ચાર જેટલા ઈસમો લાકડાના ધોકા અને લોખંડના પાઇપ સાથે આવી યુવકને આડેધડ માર માર્યો હતો, ત્યારે છોડાવવા વચ્ચે પડેલ સાહેદને પણ માર મારવાના બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવકે હળવદ પોલીસ મથકમાં ચાર જેટલા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ, હળવદ ટાઉનમાં બસ સ્ટેશન પાછળ રહેતા કલ્પેશભાઈ હસમુખભાઈ રાઠોડ ઉવ.૧૯એ હળવદ પોલીસ મથકમાં આરોપી મનસુખ પૂંજાભાઈ રાઠોડ, મુકેશભાઈ લવજીભાઈ રાઠોડ, ઉત્તમભાઈ પ્રવીણભાઈ રાઠોડ તથા જીતુભાઇ જગાભાઈ રાઠોડ બધા રહે. આંબેડકરનગર-૧ હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદમાં જાહેર કર્યું કે, ફરિયાદી કલ્પેશભાઈ ગત તા.૧૯/૧૦ના સવારના સાડા સાતેક થી પોણા આઠેક વાગ્યાના અરશામા હળવદ આંબેડકર કોમ્પલેક્ષ સામે આવેલ વાંસગી પાનના ગલ્લાએ સિગરેટ પીવા માટે ગયેલ ત્યારે કલ્પેશભાઈના પરીવારને હળવદ જુનાવાસમા રહેતા રાઠોડ પરીવાર સાથે જુના ઝઘડાઓ થયેલ હોય જેનુ મન:દુખ રાખી ચારેય આરોપીઓ હાથમાં લોખંડના પાઇપ, લાકડાના ધોકા લઈ આવી એક સંપ કરી ફરિયાદી કલ્પેશભાઈને અપશબ્દો આપી બેફામ માર માર્યો હતો, ત્યારે આ દરમિયાન ચા ની દુકાનમાં હાજર સાહેદ તેઓને બચાવવા વચ્ચે પડતા, આરોપીઓએ તેઓને પણ માર માર્યો હતો. હુમલામાં કવાળોએશભાઈને હાથ પગ તથા વાસાના ભાગે મૂંઢ ઇજાઓ પહોંચી હતી. હાલ હળવદ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.