હળવદ પોલીસે પૂર્વ બાતમીને આધારે તાલુકાના ભલગામડા ગામે જુગાર અંગે દરોડો પાડતા, જ્યાં પોલીસને દૂરથી આવતા જોઈ જુગારીઓમાં નાસભાગ મચી ગયી હતી, ત્યારે પોલીસે બે જુગારીને ઝડપી લીધા હતા, જ્યારે ૮ જુગારી અંધારાનો લાભ લઈને નાસી ગયા હતા. હાલ હળવદ પોલીસે રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી, ૧૦ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી નાસી ગયેલા આરોપીઓને પકડી લેવા તપાસ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના ભલગામડા ગામે અમુક ઈસમો તીનપત્તિનો જુગાર રમતા હોવાની મળેલ બાતમીને આધારે હળવદ પોલીસ ટીમ દ્વારા રેઇડ કરવામાં આવી હતી, ત્યારે સ્થળ ઉપર પહોચતા જ્યાં, સ્ટ્રીટ લાઇટના અજવાળે અમુક ઈસમો ગોળ કુંડાળું કરીને ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા જોવા મળ્યા હતા, બીજીબાજુ પોલીસને દૂરથી આવતા જોઈ તમામ જુગારીઓ નાસવા લાગ્યા હતા, ત્યારે પોલીસે ભરતભાઇ હેમુભાઈ ચૌહાણ ઉવ.૩૦ તથા રમેશભાઈ મહાદેવભાઈ દેત્રોજા ઉવ.૪૮ બન્ને રહે. ભલગામડા તા.હળવદ વાળા એમ બે શખ્સોને પકડી લીધા હતા. જ્યારે આરોપી રમેશ ઉર્ફે પોપટ વજાભાઈ લીલાપરા, ધીરજભાઈ રાજુભાઈ દેત્રોજા, પ્રકાશભાઈ કેશાભાઇ દેત્રોજા, જગદિશભાઈ સિંધાભાઈ દેત્રોજા, નીલેશભાઈ ખુમાણભાઇ કાંજીયા, જીવણભાઇ છેલ્લાભાઈ ઉઘરેજા, લાલાભાઇ પ્રવિણભાઇ કુંભાર તથા ગણેશભાઈ સુરાભાઇ દેત્રોજા તમામ રહે. ભલગામડા તા.હળવદ વાળા ૮ જુગારી નાસી છૂટ્યા હતા. હાલ પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૩,૯૮૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.