હળવદ સરા ચોકડી પાસે ગૌરક્ષકોની સતર્કતાએ આઇસર ગાડીમાં ક્રૂરતાપૂર્વક બાંધી લઈ જવાતા ૩૪ ભેંસના પાડાને બચાવી લેવામાં આવ્યા હતા. કચ્છથી અમદાવાદ તરફ લઈ જવાતા પશુઓ માટે ઘાસચારો કે પાણીની વ્યવસ્થા ન હોય અને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જતા આરોપી આઇસર ચાલક સામે હળવદ પોલીસ મથકમાં પશુક્રુરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે.
હળવદના પંચમુખી ઢોરો નજીક રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા ગૌરક્ષક વિજયભાઈ પેથાભાઈ ગીંગોરા ઉવ.૨૮ એ હળવદ પોલીસ મથકમાં આરોપી મુબારક શબ્બીરભાઈ પટેલ ઉવ.૨૭ રહે.અમદાવાદ ગન નં.૦૪ કડીવાલની ચાલ દાણીલીમડા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, ફરિયાદી સહિત હળવદ ગૌરક્ષકોની ટીમને બાતમી મળી કે, કચ્છ તરફથી અમદાવાદ તરફ એક આઇસર ગાડીમાં પશુઓ ભરી લઈ જવાઈ રહ્યા છે. આ આધારે હળવદ સરા ચોકડી નજીક વોચમાં હોય તે દરમિયાન બાતમી મુજબની આઇસર ગાડી નં. જીજે-૨૩-વી-૪૬૪૮ ત્યાંથી પસાર થતા તેને અટકાવી તપાસ કરતાં અંદર દયનીય હાલતમાં ટૂંકા દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધેલા કુલ ૩૪ ભેંસના પાડા મળી આવ્યા હતા, જેથી તુરંત આઇસર ગાડીને હળવદ પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી, જ્યાં આરોપી આઇસર ચાલક દ્વારા કોઈ પરમીટ કે આધાર વગર અબોલ જીવને ક્રુરતા પૂર્વક બાંધી કતલખાને લઈ જતો હોય જેથી પોલીસે આઇસર સહિત કુલ રૂ. ૨,૬૮,૦૦૦/-નો મુદ્દામાલ કબજે લઈ ચાલક સામે પશુક્રુરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.









