હળવદ શહેરમાં મોરબી ચોકડી નજીક પોલીસ ટીમ વાહન ચેકીંગની કામગીરીમાં હોય તે દરમિયાન સર્પાકારે બુલેટ ચલાવી આવતા, એક શખ્સને રોકતા, બુલેટ ચાલક નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા તેનાથી વિદેશી દારૂની એક બોટલ તથા બિયરના બે ટીન મળી આવ્યા હતા. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ બે અલગ અલગ કેસ નોંધી આગળની તપાસ ચલાવી છે.
હળવદ પોલીસ મથક પીઆઇ આર.ટી.વ્યાસની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ સતત કાર્યરત હોય ત્યારે ગઈકાલે હળવદ પોલીસ ટીમ મોરબી ચોકડી નજીક વાહન ચેકીંગમાં હોય ત્યારે મોરબી તરફથી રોયલ એનફિલ્ડ કંપનીનું બુલેટ મોટર સાયકલ રજી.નં. જીજે-૧૩-બીએ-૯૬૦૦ આડું-અવળું સર્પાકારે ચલાવીને આવતા શખ્સને બુલેટ સહિત રોકી તપાસ કરતા, બુલેટ-ચાલક ફૂલ કેફી પ્રવાહીનો નશો કરેલ હાલતમાં મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપી સતિષભાઈ ચંદુભાઈ વીંધાણી ઉવ ૨૪ રહે. બાઇસાબગઢ તા.ધ્રાંગધ્રા જી.સુ.નગર વાળાની અટક કરી હતી. બીજીબાજુ તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ ઓલ સિઝન વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૧,૪૦૯/-તથા કિંગફિશર બિયરના બે નંગ ટીન કિ.રૂ.૪૪૦/-મળી આવ્યા હતા. હાલ હળવદ પોલીસે બુલેટ મોટર સાયકલ, વિદેશી દારૂ બિયરનો જથ્થો એમ કુલ રૂ. ૬૧,૮૪૦/-ના મુદ્દામાલ સાથે આરોપી વિરુદ્ધ બે અલગ અલગ કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









