હળવદ તાલુકાના કડીયાણા ગામથી પાંડાતીરથ, સરંભડાને જોડતા રોડ નબળી ગુણવતા નો બનાવી મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જે રોડ હાથેથી ઉખેડી જાય તેવી રીતે બનાવ્યો છે. જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાનો સરંભડા સરપંચ અને ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લા પંચાયત મોરબીના કારોબારી ચેરમેને જણાવ્યું છે કે પ્રાથમિક દૃષ્ટિએ રોડનું કામ નબળું દેખાય છે. કામ કરનાર એજન્સી સામે યોગ્ય તપાસ બાદ જ બિલ ચૂકવવામાં આવશે.
મોરબી જિલ્લાના હળવદમાં નવા બનેલ રોડ હાથેથી ઉખડી જાય તેવી ઘટના સામે આવી છે. હળવદ તાલુકાના કડીયાણા ગામથી પાંડાતીરથ, સરંભડાને જોડતા રોડમાં લોટ પાણીને લાકડા જેવું કામ કોન્ટ્રાકટર દ્વારા પદાધિકારીઓની મિલી ભગતથી કર્યા હોવાનું સામે આવ્યું છે. જે રોડના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયા હોવાના સરંભડા સરપંચ અને ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ ઇજનેર અને મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનને સ્થળ પર બોલાવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ જ રોડનું કામ નબળું થયું હોવાનું દેખાય આવે છે ત્યારે આ કામ કરનાર એજન્સીને યોગ્ય તપાસ બાદ જ બિલ ચૂકવવામાં આવશે તેમ મોરબી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેને જણાવ્યું છે.