હળવદ નજીક માનસર ચોકડી પાસે નર્મદા કેનાલમાં ન્હાવા ગયેલા બે યુવાનો ડૂબી જતા મોત નિપજ્યું છે. જેમાં એક યુવાનને બચાવવા જતા બીજો પણ પાણીમાં ગરકાવ થયો હતો. ત્યારે બંનેના મૃતદેહ અલગ-અલગ દિવસે મળી આવતા પોલીસે સમગ્ર બનાવ મામલે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
હળવદ તાલુકામાં માનસર મોરબી ચોકડી નજીક નર્મદા કેનાલમાં દુર્ઘટનાજન્ય બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, સોમરદ ગામ તા.ધનાવ જી.બાડમેર (રાજસ્થાન) રહેવાસી રાજુરામ કેશારામ જાટ ઉવ.૨૦ અને તાલસર ગામ તા.ધનાવ જી.બાડમેર (રાજસ્થાન)ના ફરશારામ દમારામ જાટ ઉવ.૨૪ બંને હાલ રહે. હળવદ કચ્છ ફ્રુટ માર્કેટ વાળા ગઈ તા.૧૯ માર્ચના રોજ કેનાલમાં ન્હાવા ગયા હતા.
આ દરમિયાન રાજુરામ અચાનક પાણીમાં ડૂબવા લાગતા ફરશારામ તેને બચાવવા માટે ગયો હતો, પરંતુ બંને યુવાનો પાણીના પ્રવાહમાં સપડાઈ જતા ડૂબી ગયા હતા. જેમાં એકનો મૃતદેહ તે જ દિવસે મળી આવ્યો હતો, જ્યારે બીજા યુવાનનો મૃતદેહ બે દિવસ બાદ મળ્યો હતો. મૃત્યુના બનાવ અંગે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.









