હળવદ તાલુકાના ગોલસણ ગામે બ્રાહ્મણી નદીના ઓગાનમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ હોય જે મુજબની મળેલ બાતમીને આધારે પોલીસ દ્વારા રેઇડ કરતા, સ્થળ ઉપરથી ૧૨૦૦ લીટર ઠંડો આથો તથા દારૂની હેરફેર કરવા ઉપયોગમાં લેવાતું બાઇક સહિતનો મુદ્દામાલ કબ્જે કરવાનામાં આવ્યો છે, જ્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હોય જેથી પોલીસે તેને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, હળવદ પોલીસ મથક પીઆઇ આર.ટી. વ્યાસની સૂચના અને માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, આરોપી વિક્રમભાઈ સુરેલા રહે.ગોલસણ તા.હળવદ વાળો ગોલસણ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના ઓગાનમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવે છે. જેથી તુરંત પોલીસે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા, જ્યાં નદીના ઓગાનમાં બાવળની કાંટમાં દેશી દારૂની બંધ હાલતમાં ભઠ્ઠી ઝડપી લેવામાં આવી હતી. આ સાથે પોલીસે દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી તથા જમીનમાં દાટેલા બે ટાકા તેમજ એક બેરલમાંથી કુલ ૧૨૦૦લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો કિ.રૂ.૩૦,૦૦૦/- આ સિવાય સ્થળ ઉપરથી એક સિલ્વર કલરનું સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૩૬-એએમ-૮૭૧૫ સહિત રૂ.૬૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી વિક્રમભાઈ ચંદુભાઈ સુરેલા રહે. ગોલસણ ગામ વાળો હાજર નહિ મળી આવતા તેને આ કેસમાં ફરાર જાહેર કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









