હળવદની સરા ચોકડી નજીકથી ટાટા જેનન કેરિયર વાહનમાં નાના-મોટા ૧૦ પાડાને ક્રૂરતાપૂર્વક બાંધી કતલખાને લઈ જતા બે ઇસમોને હળવદ ગૌ રાક્ષકો દ્વારા પકડી લઈ, બન્ને આરોપીઓને પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા, ત્યારે હળવદ પોલીસે પશુ પ્રત્યે ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હળવદમાં નાલંદા રોડ ઉપર શિવ બંગલો ખાતે રહેતા કિરણકુમાર રજનીકાંત પંડ્યા ઉવ.૩૯ એ હળવદ પોલીસ મથકમાં આરોપી જાવેડખાં ઈકબાલખાન ખાન ઉવ.૩૫ હાલ રહે.અમદાવાદ નારોલ ચોકડી પાસે મૂળ રહે.લહરીયા પુરવા મોહ ઉત્તરપ્રદેશ તથા આરોપી નદીમભાઈ સીદીકભાઈ મેવાતી ઉવ.૨૯ રહે.અમદાવાદ રામ-રહીમનગર બેહરામપુર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપીઓએ પોતાના કબજા ભોગવટા વાળી ટાટા જેનન યૌધ્ધા કંપનીની ફોર વ્હીલ ખુલ્લી ગાડી રજી.નં. જીજે-૦૧-ઈટી-૪૧૮૦ વાળીમા ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર પુરાવા વગર ભેસના પાડા જીવ નંગ-૧૦ ના મોઢા દોરડા વડે બાંધી ક્રુરતાપુર્વક ભરી ઘાસચારો કે પાણીની સગવડ રાખ્યા વગર લઇ કતલખાને લઈ જતા હોય ત્યારે ગઈકાલ તા.૩૦/૦૩ના રોજ હળવદમાં સરા ચોકડી નજીક બન્ને ઇસમોને ઉપરોક્ત કેરિયર વાહન સાથે પકડી લઈ હળવદ પોલીસ મથકમાં સોંપી આપવામાં આવ્યા હતા. હાલ હળવદ પોલીસે બન્ને આરોપીઓ સામે ગુજરાત પશુક્રૂરતા પ્રતિબંધ અધિનીયમ કલમ તથા જી.પી.એકટ કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.