હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે સામાન્ય બાબતે બોલાચાલી ઝઘડો કરી ધારીયા, પાઇપ જેવા ઘાતક હથિયારો વડે ખેડૂત પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર પિતા-પુત્રોના હુમલામાં ખેડૂતને ગંભીર ઇજા પહોંચી હોવાને કારણે તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે મોતીનગર વિસ્તારમાં રહેતા ૪૬ વર્ષીય ભરતભાઈ મગનભાઈ દુદાણાએ હળવદ પોલીસ સમક્ષ આરોપી એજાજ અલાઉદીન, આશીક અલાઉદીન તેમજ અલાઉદીન ત્રણેય રહે.જુના દેવળીયા ગામ તા.હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી ભરતભાઇના ભત્રીજા સંતોષે તેના માસીયાઈ ભાઈ રાજુ હરજીભાઈ ઉઘરેજાને આરોપી અલાઉદીનભાઈ તથા તેમના છોકરાઓ સાથે ફરવાની ના પાડતા જેનો ખાર રાખી, ગત તા.૧૬/૦૮ ના રોજ રાત્રે નવ વાગ્યાની આસપાસ આરોપી એજાજ અલાઉદીન અને આશીક અલાઉદીન એક કારમાં આવી પહોંચ્યા હતા. બંનેએ ભરતભાઈના ભત્રીજા સંતોષ સાથે બોલાચાલી કરી તેને ગાળો આપતા હતા, થોડી વારમાં તેમના પિતા આરોપી અલાઉદીનભાઈ પણ બીજી ગાડી સાથે ત્યાં આવ્યા હતા, અને ત્યાં આવી ગાળો બોલતા હોય જેથી ફરિયાદી ભરતભાઈએ ગાળો બોલવાની ના પાડતા, એકદમ ઉશ્કેરાઈ ફરિયાદી ભરતભાઈ ઉપર ધારીયાથી હુમલો કર્યો હતો. હુમલામાં ભરતભાઈને હવાથમાં અંગૂઠા પાસે ગંભીર ઇજા પહોંચી હતી, હુમલા દરમિયાન સંતોષભાઈની પત્નીને પણ માર માર્યો હતો. બનાવ દરમિયાન આજુબાજુના લોકો ભેગા થતાં આરોપી ત્રણેય બાપ-દિકરા જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ ઉપરથી નાસી ગયા હતા. હાલ હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.