હળવદના ગૌરક્ષકો દ્વારા વધુ એક સરાહનીય કામગીરી કરી બોલેરોમાં ભરી કતલખાને લઈને જઈ રહેલા ૮ પશુઓને બચાવી લેવામાં મદદરૂપ થયા હતા જ્યારે બોલેરો ચાલક સહિત બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક ત્રીજો આરોપી નાસી ગયો હતો. હાલ હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ સામે પશુ પ્રત્યે ઘાતકીપણા અટકાવવા અધિનિયમ હેઠળ ગુનો નોંધી નાસી છુટેલ આરોપીને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ હલવાદની શિવ બંગલોઝ સોસાયટીમાં રહેતા વેપારી એવા ગૌરક્ષક ભાવેશભાઈ ચંદુભાઈ ઠક્કર ઉવ.૪૭એ હળવદ પોલીસ મથકમાં આરોપી ભરતભાઇ બચુભાઇ સલાટ ઉવ.૩૩ રહે.રાતાવિડા ગામ તા.વાંકાનેર તથા ભરતભાઇ સેલાભાઇ સલાટ ઉવ.૨૬ રહે. ક્વાડિય ગામ તા.હળવદ તેમજ નાસી ગયેલ આરોપી રમેશભાઇ ભલજીભાઇ સલાટ રહે.માથકવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા.૨૭/૭ની વહેલી સવારે ૫ વાગ્યાની આસપાસ આરોપીઓએ કોઈ પાસ પરમીટ કે, આધાર વગર પોતાના હવાલાવાળી મહિન્દ્રા બોલેરો પીકઅપ રજી.નં જીજે-૩૬-એક્સ-૧૬૧માં જીવતા ૭ પાડા તથા ૧ પાડી એમ પશુ નંગ ૦૮ કતલખાને વેચાણ કરવા માટે બોલેરો ગાડીમાં ખીચોખીચ ભરી, કોઈ ઘાસચારા કે પાણીની સગવડ રાખ્યા વગર પશુ પ્રત્યે ધાતકીપણાનુ વર્તન કરી પાડા-પાડી જીવ પશુની હેરફેર કરતા હોય જે રંગેહાથ ઝડપાઇ ગયા હતા. જે મુજબની ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ૮ પશુઓ જેની આશરે કિ.રૂા.૨૪,૦૦૦/ તથા એક મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી જેની કિ.રૂા.૩,૦૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂા. ૩,૨૪,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેય આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.