હળવદ પોલીસ દ્વારા સતત સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બાઝ નજર રાખી સમાજમાં ભય ફેલાવતા અને સીન સપાટા કરતા ઇસમોને પકડી લેવા કાર્યરત હોય તે દરમિયાન સોશ્યલ મીડીયા ઉપર છરી સાથેનો ફોટો વાયરલ કરનાર બે ઇસમોને શોધી હળવદ પોલીસે બંને ઇસમોની છરી સાથે અટકાયત કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજરોજ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ઇસમોનો છરી સાથેનો ફોટો વાયરલ થતાં હળવદ પોલીસ હરકતમાં આવી હતી. હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી. વ્યાસની રાહબરી હેઠળ હળવદ પોલીસ ટીમ દ્વારા તપાસ હાથ ધરતા ફોટોમાં દેખાતા ઇસમો હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ તાત્કાલીક પોલીસ ટીમે જરૂરી હકિકત મેળવી વાયરલ ફોટામાં દેખાતા બંને ઇસમો રવી મુનાભાઇ કાંજીયા રહે. ગામ દિઘડીયા તા. હળવદ તથા રવી ઘનશ્યામભાઇ દેકાવાડીયા રહે. ગામ દેવપુર (સુખપર) તા. હળવદ વાળાની ઓળખ કરી તેમને છરી સાથે પકડી પાડ્યા અને બંને આરોપીઓ વિરુદ્ધ જીપી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સાથે હળવદ પોલીસે જાહેર જનતાને અનુરોધ કર્યો છે કે આજના ડિજીટલ યુગમાં સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ જેમ કે ફેસબુક, વોટસએપ, ઇન્સ્ટાગ્રામ કે ટવીટર પર કોઈપણ પ્રકારના ગુનાહીત કૃત્ય કે સામાજિક અશાંતિ ફેલાવતાં ફોટા કે વિડીયો અપલોડ ન કરે.