ટંકારા તાલુકાના હરીપર(ભુ) ગામે બે વર્ષ પહેલાં પાડોશી દ્વારા કરેલા લેન્ડ ગ્રેબિંગ કેસમાં ખેડૂત પ્રોઢે નિવેદન આપ્યું હોય જેનો ખાર રાખી ભોગ બનનાર ખેડૂત પોતાના ખેતરથી પરત આવતા હોય ત્યારે ગામમાં જ રહેતા એક ઈસમ દ્વારા ખેડૂતને જેમફાવે તેમ ગાળો આપી દાંતરડા વડે ખેડૂતને છાતીમાં ઘા મારી ઇજાગ્રસ્ત કર્યા હતા. જેથી ખેડૂતને પ્રથમ ટંકારા બાદ વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ ભોગ બનનાર દ્વારા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધી અટકાયત કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ટંકારા તાલુકાના હરીપર(ભુ) ગામે રહેતા જસમતભાઈ મકનભાઈ ભાગીયા ઉવ.૫૫ ગત તા.૨૦/૧૦ના રોજ ખરખરીયા સીમમાં આવેલ પોતાના ખેતરથી પરત આવતા હોય ત્યારે રસિકભાઈ વેલજીભાઈ ઢેઢી રહે.હરીપર(ભુ)ના ખેતર પહોંચ્યા ત્યારે રસિકભાઈ કહેવા લાગ્યા હતા કે તમારા પાડોશી મહાદેવભાઈ અરજણભાઈ ઢેઢી સાથે બે વર્ષ પહેલાં પ્લોટ બાબતનો લેન્ડ ગ્રેબિંગના કેસમાં મારી વિરુદ્ધ કેમ નિવેદન આપ્યું હતું તેમ કહી જસમતભાઈને ગાળો આપી રસિકભાઈએ પોતાના હાથમાં રહેલ દાંતરડા જેવા હથિયારથી જસમતભાઈને છાતીના ભાગે એક ઘા મારી ઇજાગ્રસ્ત કર્યા હતા. જેથી જસમતભાઈને પ્રથમ તંજરા સિવિલ હોસ્પિટલ બાદ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા પાસળીના હાડકામાં ફ્રેકચર તથા છાતીના ભાગે ચાર ટાંકા આવ્યા હોય ત્યારે હાલ ભોગ બનનાર જસમતભાઈએ આરોપી રસિકભાઈ સામે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.