શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક ભેટો અપાઈ.
મોરબી: નારીદિવસ નિમિત્તે વાવડી કન્યાશાળામાં ડો.હસ્તલેખા મહેતા (હસ્તીબેન) દ્વારા ૨૨૧ માં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોના આરોગ્યની ચકાસણી સાથે દવાઓ આપવામાં આવી તેમજ શાળાના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક ભેટો અર્પણ કરવામાં આવી હતી.
મોરબીમાં આંતરરાષ્ટ્રીય નારીદિવસ નિમિત્તે તા. ૮ માર્ચના રોજ ડો. હસ્તલેખા મહેતા (હસ્તીબેન) દ્વારા ૨૨૧મા આરોગ્ય કેમ્પનું આયોજન એક સન્નારી દ્વારા વાવડી ગામે કન્યા શાળામાં કરવામાં આવ્યું હતું. યોજાયેલા આ કેમ્પમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારજનો માટે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કેમ્પ દરમિયાન હાજર લોકોનું વજન માપવું, બ્લડ સુગર અને બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી હતી તેમજ જરૂર મુજબ ત્રણ દિવસની દવાઓ પણ આપવામાં આવી હતી. કેમ્પને સફળ બનાવવા માટે શાળાના પ્રિન્સિપાલ સાગરભાઈ મહેતાનો મહત્વપૂર્ણ સહકાર મળ્યો હતો.
આ કેમ્પ અંતર્ગત માતુશ્રી જયેન્દ્રબાળાબેન ઇન્દુલાલ મહેતા તથા ફૈબાશ્રી વિદ્યાબેન મહેતાના સહયોગથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે ભેટો પણ આપવામાં આવી હતી. જેમાં ધોરણ ૧ થી ૫માં પ્રથમ આવનારા વિદ્યાર્થીઓને ડ્રોઇંગ બુક અને કલર બોક્સ તેમજ ધોરણ ૫ થી ૮ના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ ભેટ આપવામાં આવી હતી. કેમ્પને સફળ બનાવવા માટે રશ્મિનભાઈ દેસાઈ, જસવંતીબેન ચાવડા, રૂચિતાબેન પંડયા, સુદીપ વોરા તેમજ નાની હિયા ચાવડાએ સેવા આપી હતી.









