ટંકારા, 8 સપ્ટેમ્બર 2025: ટંકારા તાલુકાના મોટા ભાગના ગામોમાં શનિવારથી શરૂ થયેલો વરસાદ સોમવારે સવાર સુધી અવિરત રહ્યો, જેના કારણે વિસ્તારમાં ભારે પાણીની આવક થઈ છે. ટંકારા મામલતદાર કચેરી ખાતેના ફ્લડ કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ, આજે સવારે 6 વાગ્યા સુધીમાં 64 એમએમ વરસાદ નોંધાયો છે. આ સાથે સિઝનનો કુલ વરસાદ 746 એ આંબી ગયો છે.
આ ભારે વરસાદના પગલે તાલુકાના અનેક ડેમોમાં નવા નીરની ચિકાર આવક થઈ છે, જ્યારે નદીઓમાં પણ ધોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને કારણે ખેતીવાડી અને પાણીના સંગ્રહ માટે સકારાત્મક અસર થઈ હોવાનું જણાય છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા પણ ઊભી થઈ છે. સ્થાનિક વહીવટી તંત્રના નિખીલકુમાર જોષીએ જણાવ્યું હતું કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પી એન ગોર દ્વારા સતત વરસાદી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે.