બેડી ચોકડી પાસે અકસ્માત, મારવાડી યુનિવર્સિટી સુધી લાંબી કતારો; મુસાફરોમાં આક્રોશ
રાજકોટ-મોરબી રાજ્ય ધોરીમાર્ગ (હાઈવે) પર આજે સવારે બેડી ચોકડી ખાતે બે ટ્રક વચ્ચે ભારે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના પગલે જોતજોતામાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ અને ટ્રાફિક સંપૂર્ણપણે થંભી ગયો. અકસ્માત સ્થળથી મારવાડી યુનિવર્સિટી સુધી અને તેનાથી આગળના વિસ્તારોમાં હજારો વાહનોના થપ્પા લાગ્યા હતા.
આ અકસ્માતને કારણે મોરબી તરફથી રાજકોટ આવતા તેમજ રાજકોટથી મોરબી જતા હજારો મુસાફરો, હોસ્પિટલમાં જતા દર્દીઓના સંબંધીઓ, દુકાનદારો અને કામકાજે જતા લોકો લાંબા સમય સુધી રસ્તા પર ફસાઈ ગયા છે. ઘણા લોકોને તાત્કાલિક કામોમાં વિલંબ થયો અને મુસાફરોમાં આક્રોશ જોવા મળ્યો. સૌનો એક જ સવાલ હતો – આ માથાફૂટમાંથી મુક્તિ ક્યારે મળશે?
મળતી વિગતો અનુસાર, રાજકોટના ભાગોળે મોરબી તરફ જતા હાઈવે પર બેડી ચોકડી ખાતે બે ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતના કારણે રસ્તો અવરોધાઈ ગયો અને ટ્રાફિક પોલીસ તેમજ અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને ક્લિયરન્સનું કામ શરૂ કર્યું હતું. સદભાગ્યે આ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી ગઈ હોવાના સમાચાર છે, પરંતુ વાહનોને નુકસાન થયું હોવાથી ક્લિયરન્સમાં સમય લાગ્યો. આ રોડ પર દરરોજ હજારો વાહનોની આવજાવજ થાય છે. હોસ્પિટલ, દુકાનો અને કામકાજ માટે આ રસ્તો મહત્વનો છે. અકસ્માત પછી લોકો લાંબા સમય સુધી રાહ જોવી પડી, જેનાથી ખાસ કરીને બીમારોના સંબંધીઓ અને રોજિંદા મુસાફરોમાં ભારે અસર જોવા મળી. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર આ ઘટનાના ફોટા અને વીડિયો શેર કરીને ટ્રાફિક વ્યવસ્થા અને સલામતી પર સવાલ ઉઠાવ્યા છે, પરંતુ લાંબી કતારોને કારણે વિલંબ ચાલુ છે. આવા અકસ્માતો વારંવાર થતા હોવાથી લોકોમાં આ રોડ પર વધુ સલામતી સુવિધાઓ અને ઝડપી ક્લિયરન્સની માંગ ઉઠી રહી છે









