રાજકોટમાં કથિત કલ્કી અવતાર તરીકે પોતાને ઓળખ આપનાર રમેશ ચંદ્ર ફરી વિવાદમાં આવ્યા છે. તેમણે પરશુરામ ભગવાનને રાક્ષસ કહ્યા હતા. બ્રાહ્મણોનો નાશ થશે અને ભગવાન પરશુરામ રાક્ષસ હતા તેવો વાણી વિલાસ કરવામાં આવ્યો હતો. જેને લઇ રમેશ ફેફર સામે કડક કાર્યવાહી કરવા હિન્દૂ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી છે.
હિન્દૂ સંગઠનોના જણાવ્યા અનુસાર, ગત તારીખ 26/8 ને શનિવારે સોશ્યલ મીડિયા પર પોતાની જાતને કલ્કી અવતાર કહેનાર રમેશ ફેફરે રહે રાજકોટ જાણી જોઈને સમાજમાં વૈમનસ્ય ઉભું કરવા હિન્દુ ધર્મ અંગે તેમજ ખાસ કરીને બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાનશ્રી પરશુરામ તથા સમગ્ર બ્રહ્મ સમાજ વિશે આપત્તિજનક નિવેદન કરવામાં આવ્યા હતા તથા તેને જાણી જોઈને સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ પર વાઈરલ કરવામાં આવ્યું હતું. આ વ્યક્તિ સારી રીતે ભણેલ ગણેલ છે તથા આવા નિવેદનો જાણી જોઈને વારંવાર આપી લોકોને ભડકાવવાનો, લોકો વચ્ચે વૈમનસ્ય ઉભું કરવા તેમજ લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી સામાજિક સમરસતાને ડહોળવાના પ્રયાસો સતત કરી રહ્યો છે. આ ઉપરાંત આ વખતે તેણે કરેલા નિવેદનમાં સમગ્ર બ્રાહ્મણ સમાજનો નાશ કરવાની ધમકી આપી ડર અને દહેશતનો માહોલ પણ ઉભો કર્યો છે. આ નિવેદનમાં તેણે પ્રધાનમંત્રી અંગે પણ આપત્તિજનક ભાષા પ્રયોગ કરેલ છે. તેણે કરેલા નિવેદનો પાછળ તેનો ઈરાદો શું છે ? તથા આવા વ્યક્તિ પાછળ સમાજને તોડનાર કે રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ કરનાર કોઈ ષડયંત્ર તો નથી ને? તેની યોગ્ય ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ થાય અને તેની વિરુદ્ધ સખત કાર્યવાહી થાય તેવી હિન્દૂ સંગઠનો દ્વારા માંગણી કરવામાં આવી છે.