તાજેતરમાં રામનવમીના દિવસે ગુજરાતના ઉના ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા કરવામાં આવેલ ભડકાઉ ભાષણને લઈ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી. જેને લઈ કાજલ હિન્દુસ્તાની ધરપકડ કરવામાં આવી છે. તેમજ કાયદાનુસાર જે કેસમાં સાત વર્ષથી નીચેની જોગવાઇ હોય, તેમાં પોલીસને જામીન આપવાની સત્તા હોવા છતાં આ કેસમાં કાજલ હિન્દુસ્તાનીના જામીન નામંજૂર થયા છે. ત્યારે હિન્દુ યુવા વાહિની દ્વારા આ બનાવને લઇ વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
હિન્દુ યુવા વાહિની દ્વારા મીડિયાની સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, તાજેતરમાં ગીર-સોમનાથના ઉના ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બહુમત હિન્દુ સમાજ માટે સતત કાર્યશીલ માતૃશકિત કાજલબહેન હિન્દુસ્થાની એ સમાજ અને દેશની વ્યવસ્થાઓ તથા સાંપ્રત સમસ્યાઓ સંદર્ભે માર્ગદર્શન કરેલ તેના અમુક ભાગને વિવાદિત ગણાવી તેમના પર ગુન્હો દાખલ કરી સરકારી દ્વારા તેમની ધરપડ કરવામાં આવે છે. તે ઘૃણાસ્પદ કૃત્ય છે. રાજયની મહિલા શકિત જયારે સમાજને સાંપ્રત સમસ્યાઓ અંગે માહિતીગાર કરે, માર્ગદર્શન કરે,માતૃદર્શન કરે ત્યારે તેમની હિંમતને બળ પુરું પાડવાના બદલે માતૃશકિતના ઉત્સાહને તોડી પડવાનું કામ તંત્ર દ્રારા કરવામાં આવ્યું છે. જે નિંદનીય છે. હિન્દુ યુવા વાહિનીની માંગ છે કે, કાજલ બહેન વિરુધ્ધ નોંધાયેલ ફરિયાદ રદ કરવામાં આવે તેમજ તેમને તાકીદે જામીન આપવામાં આવે.