વાંકાનેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં વાંકાનેરના અમરસર ફાટકથી આગળ કેનાલ પાસે એક કાર ચાલકે TVS મોટર સાઇકલ ચાલકને હડફેટે લેતા એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જેનાથી ગભરાઈ જઈ કાર ચાલક પોતાની કાર સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરના અમરસર ગામે રહેતા ઉસ્માનભાઇ આહમદભાઇ શેરસીયા નામના વૃદ્ધ ગત તા.૩૧/૧૨/૨૦૨૨ના રોજ પોતાનું GJ03FR 7222 નંબરનું TVS મોપેડ મોટર સાઇકલ ચલાવી પોતાની એક વાડીએથી બીજી વાડીએ જતા હતા. ત્યારે અમરસર ફાટકથી આગળ કેનાલ પાસે અમરસર ખાતે GJ03HK 5140 નંબરના ફોરવ્હીલ કારના ચાલકે પોતાની કાર પુરઝડપે બેફિકરાઇથી માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી વૃદ્ધની મોપેડને પાછળથી હડફેટે લેતા અક્સ્માત સર્જાયો હતો અને આધેડ ધડાકાભેર નીચે પછડાયા હતા. જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજા તથા શરીરે અન્ય ઈજાઓ પહોંચતા તેમનું ઘટનસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે કાર ચાલક પોતાની કાર સ્થળ પર જ મૂકીને ફરાર થઈ જતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.