હળવદમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે જતા મોટરસાઈકલનાં ચાલકે કવાડીયા પાટીયાથી કવાડીયા ગામ જતા એક રાહદારી આધેડને હડફેટે લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મૃતકના પુત્ર દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, સુરેંદ્રનગરનાં ધ્રાંગધ્રામાં કસબા શેરી મસ્જીદની સામે રહેતા ઇલીયાશભાઇ ઇકબાલભાઇ શા ના પિતા ઇકબાલભાઇ કાળુશા શા ગત તા.૨૬/૧૨/૨૦૨૩ ના રોજ પગપાળા ચાલીને કવાડીયા પાટીયાથી કવાડીયા ગામ જતા હોય ત્યારે અજાણયા મોટરસાઈકલ ચાલકે પોતાનું મોટરસાઈકલ પુરઝડપે અને ગફલતભરી રીતે બેફીકરાઇ પુર્વક માણસોની જીંદગી જોખમાય તે રીતે બેદરકારી પુર્વક ચલાવી આવી રોડની સાઇડમા પગપાળા ચાલીને જતા ઇકબાલભાઇ સાથે ભટકાડતા ઇકબાલભાઇને જમણા પગે તથા માથાના ભાગે ગંભીર ઇજા તેમજ શરીરે નાની મોટી ઇજા પહોચાડતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જયારે આરોપી અકસ્માત સર્જી સ્થળ પરથી મોટરસાઈકલ લઇ ફરાર થઇ જતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.