રીક્ષા ચાલક પતિની નજર સામે પત્નીનું મૃત્યુ, ત્રણ સંતાનો માતા વિહોણા થયા, પરિવાર શોકમાં ગરકાવ.
મોરબીમાં વધુ એક હિટ એન્ડ રન અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં વાંકાનેરના ઠીકરીયાળા ગામે રહેતો પરિવાર પોતાની સીએનજી રીક્ષા લઈને મોરબી જતા હોય તે દરમિયાન અમરનગર ગામ નજીક સંતકૃપા હોટલ પાસે અજાણ્યા આઇસર ચાલકે પોતાનું વાહન બેફામ અને ગફલતભરી રીતે ચલાવી રીક્ષાને હડફેટે લેતા, રીક્ષા ચાલક સહિત તેની પત્ની અને ત્રણ બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં રીક્ષા ચાલકના પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી આઇસર ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો.
હિટ એન્ડ રન અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામે રહેતા જગદીશભાઈ હમીરભાઈ બેડવા ગઈ તા.૦૬/૦૫ના રોજ પોતાની સીએનજી રીક્ષા રજી.ન. જીજે-૩૬-યુ-૮૬૫૭ માં પત્ની શોભના ઉર્ફે સેજલબેન, દીકરો રીકેન ૧૨વર્ષ, દીકરી વેદિકા ૦૭વર્ષ તથા દીકરો મસ્વી અઢી વર્ષ એમ પરિવાર સાથે વાંકાનેરથી નેકજેન સીરામીક રવાપર(નદી) રોડ ખાતે જી રહ્યા હતા, ત્યારે મોરબી તાલુકાના અમરનગર નજીક સંતકૃપા હોટલ પાસે અજાણ્યા આઇસર ચાલકે પોતાનો ટ્રક ફૂલ સ્પીડમાં ચલાવી આવી રીક્ષાને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માત સર્જી આઇસર ચાલક પોતાનો ટ્રક લઈને નાસી ગયો હતો, ત્યારે જગદીશભાઈ સહિત પરિવારના તમામ સભ્યોને ૧૦૮ મારફત મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા. જ્યાં જગદીશભાઈના પત્ની શોભના ઉર્ફે સેજલબેનને માથાના ભાગે તથા ગળાના ભાગે ગંભીર ઇજા પહોચતા, ડોક્ટરે તેમને જોઈ તપાસી મરણ ગયાનું જાગેર કર્યું હતું, જ્યારે જગદીશભાઈને માથામાં અને પગમાં તથા ત્રણેય બાળકોને ગંભીર ઇજાને કારણે ચારેયને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કર્યા હતા. હાલ સમગ્ર અકસ્માતના બનાવ મામલે જગદીશભાઇના મોટાભાઈ હરેશભાઇ હમીરભાઈ બેડવાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી અજાણ્યા આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા તજવીજ શરૂ કરી છે.