મોરબીમાં ગત તા.૩૧ ઓગસ્ટના રોજ સો ઓરડી વિસ્તારમાંથી એક સાથે બે બાળકીઓ ગુમ થતા ખળભળાટ મચી ગયો હતો. જે બાદ પોલીસમાં બાળાઓનાં ગુમ થયા અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા બાળાઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે, આજે બાળાઓની ઘર વાપસી થતાં પરિવારજનોએ હાસકારો અનુભવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના સમાકાંઠે આવેલ સો ઓરડી વિસ્તારમાં રહેતા પ્રતાપભાઈ લાલજીભાઇ મકવાણા એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી હતી કે, તેમની 15 વર્ષીય બાળકી મહિમા મકવાણા અને પડોશીની 11 વર્ષીય બાળકી સ્નેહા વિશાલભાઈ સિરોહિયા બન્ને છોકરીઓ ગત તા ૩૧ ના રોજ બપોરના સમયે ઘરેથી નીકળી હતી. જે બાદ ગઇકાલ એટલે કે 2 સપ્ટેબર સુધી પરત આવી ન હતી. જેની પરિવારજનો દ્વારા પણ શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ તે મળી આવી ન હતી. જેથી તેમનું અપહરણ થયું હોવાની શંકાના આધારે પારિવારજનોએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ સદનસીબે આજે બંને બાળાઓ સામેથી ચાલીને ઘરે પરત ફરી હતી. જે અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પણ જાણવામાં આવી છે. ત્યારે હવે બાળકીઓ ક્યાં ગઇ હતી કેમ ગઇ હતી તે અંગેના સવાલોનો જવાબ મેળવવા બાળકીઓ સ્વસ્થ થઈ જશે તે બાદ પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવશે.