મોરબીમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર પુરપાટ જતી બાઇકે સર્વિસ રોડ ઉપર એક્સલ સિરામિક કારખાના નજીક અન્ય એક બાઇકને હડફેટે લીધી હાટી. જેના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જયારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જયારે આરોપી બાઈક ચાલક પોતાની બાઈક લઈ નાશી જતા સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડના સર્વિસ રોડ પરથી મનહરભાઇ ઠાકરશીભાઇ સદાદીયા બે મિત્રો સાથે પોતાનું GJ-03-EN-6965 નંબરનું બાઈક લઈ પસાર થઇ રહ્યા હતા. ત્યારે એક્સલ સિરામિક કારખાના નજીક મકનસર ચોકી પાસે એક પુરપાટ ઝડપે આવતા અજાણ્યા બાઈક ચાલકે પોતાનું બાઈક ગફલત ભરી રીતે ચલાવી મનહરભાઇના બાઈક સાથે ધડાકાભેર અથડાવી દેતા મનહરભાઇનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે તેમના મિત્રોનો સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જયારે આરોપી બાઈક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ જતા મૃતકનાં ઈજાગ્રસ્ત મિત્ર કલ્પેશભાઇ લવજીભાઇ ભંખોડીયાએ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે.