મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ નજીક હિટ એન્ડ રન માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. જેમાં બાઇક ઉપર જઈ રહેલા પતિ પત્ની અને ત્રણ વર્ષની બાળકીને ટ્રક કન્ટેઇનરે સાઈડમાંથી હડફેટે લેતા બાઇક સવાર ત્રણેય નીચે પડી જતા જેમાં બાઇક ચાલક યુવક ઉપર ટ્રકનું ટાયર ફરી વળતા પત્નીની નજર સામે પતિનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઇક સવાર પત્ની તથા બાળકીને શરીરે મૂંઢ ઇજાઓ પહોંચી હતી.જ્યારે અકસ્માત સર્જી ટ્રક કન્ટેઇનરનો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો.
મળતી માહિતી અનુસાર માળીયા(મી) તાલુકાના ખાખરેચી ગામે રહેતા મીનાબેન મુકેશભાઇ ઠાકરશીભાઇ ખાંભડીયા ઉવ.૩૬એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ટ્રક કન્ટેઈનર રજી.નં.જીજે-૩૯-ટી-૯૯૭૭ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા.૧૩/૦૭ ના રોજ સવારના અગિયાર વાગ્યાની આસપાસ મીનાબેન તથા તેમના પતિ મુકેશભાઇ ઠાકરશીભાઇ ખાંભડીયા તથા તેમની દિકરી પીનલ ઉવ.૩ વર્ષ વાળી એમ ત્રણેય જણા હિરો હોન્ડા રજી.નં. જીજે-૦૩-સીએન-૯૩૩૧ લઇને તેમના ગામથી મોરબી જતા હતા ત્યારે એક લાલ કલરના લાંબા કન્ટેનરવાળાના ચાલકે પાછળથી પુર ઝડપે અને ગફલતભરી રીતે પોતાનું વાહન ચલાવી આવી તેની ખાલી સાઇડેથી બાઇકને હડફેટે લઇ ત્રણેયને રોડ ઉપર પછાડી દેતા ટ્રકની પાછળના ટાયરનો જોટો બાઇક ચાલક મુકેશભાઇના માથાના ભાગે ફરી જતા તેમનું માથુ છુંદાઇ ગયું હતુ જેથી તેમનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું જ્યારે મીનાબેનને અને તેમની દીકરીને શરીરે મુંઢ ઇજા કરી કન્ટેનરવાળો તેનુ વાહન લઇ અકસ્માત કરી ત્યાંથી નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવતા હાલ તાલુકા પોલીસે ટ્રક કન્ટેઇનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.