મોરબીમાં એક હૃદય કંપાવતી ઘટના બનાવ પામી છે. જેમાં મોરબીના ખાનપર ગામે એક યુવકે તેની પત્નીની દાંતરડાં વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી. અને બાદમાં પત્નીના મૃતદેહને લઇ રાતોરાત છોટાઉદેપુર પોતાના સાસરિયાઓને ત્યાં પહોંચ્યો હતો. ત્યારે બનાવની જાણ થતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા રેમલા નાયકે તેની પત્ની ઝીનકીબેન નાયક પર દાંતરડાં વડે ચાર-પાંચ ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી હતી. જે બાદ આરોપી પતિએ તેની પત્નીના મૃતદેહને પોતાની કારમાં મૂકી અને રાત્રિના સમયે જ મૃતક પરિણીતાના પિયર છોટાઉદેપુર ખાતે જવા નીકળી ગયો હતો. અને પોતાના સાસરિયે પહોંચી કારમાંથી પરિણીતાના મૃતદેહને લઈને આરોપી રેમલો પોતાના સાસરિયા સમક્ષ આવ્યો હતો. જેને લઇ મૃતકના પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું અને જમાઇ દ્વારા આ રિતે મૃતદેહને લઈ આવતા તેઓ હતપ્રત થઈ હતા. ત્યારે બનાવ અંગે મૃતકના પિયરના લોકો દ્વારા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેને પગલે ઝોઝ પોલીસે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.