મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા મયુર બ્રિજ પર “I LOVE MORBI” સ્કલ્પચર સ્થાપિત કરવામાં આવ્યું છે, જે શહેરના ગૌરવ અને સૌંદર્યનું પ્રતિક બની રહ્યું છે. સાથે જ નાગરિકોને બેસવા માટે બાંકડાંની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે.
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ મયુર બ્રિજ, મોરબી શહેરની ઓળખ અને ગૌરવનું પ્રતિક માનવામાં આવે છે. દરરોજ મોટી સંખ્યામાં નાગરિકો અને મુલાકાતીઓ અહીં પરિવાર સાથે સમય પસાર કરવા, શાંતિપૂર્ણ વાતાવરણ માણવા અને નદીના સૌંદર્યનો આનંદ લેવા આવે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા બ્રિજ પર “I LOVE MORBI” નામનું આકર્ષક સ્કલ્પચર સ્થાપિત કરવામાં આવ્યું છે.
આ શિલ્પ માત્ર એક ફોટો પોઈન્ટ જ નહીં પરંતુ મોરબી શહેર પ્રત્યેની લાગણી, ગૌરવ અને ઓળખનું પ્રતિક છે. નાગરિકો તથા પ્રવાસીઓ માટે આ સ્થાન સેલ્ફી પોઈન્ટ તરીકે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પ્રયત્ન શહેરના સૌંદર્યમાં વધારો કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે. સાથે જ, રાત્રિના સમયે અહીં આવતા નાગરિકોની સુવિધા માટે બ્રિજ પર બેસવા માટે પૂરતી સંખ્યામાં બાંકડાં પણ ગોઠવવામાં આવ્યા છે, જેથી મુલાકાતીઓ આરામથી સમય વિતાવી શકે. મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે, આગામી સમયમાં પણ નાગરિકોની સુવિધા અને શહેરના સૌંદર્યમાં વધારો કરવા અનુકૂળ વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવશે