મોરબી જિલ્લામાં ગઈકાલે બે લોકોના અકાળે મોત થયાનું પોલીસ ચોપડે નોંધાયું છે. જેમાં ટંકારાના લખધીરગઢ ખાતે રહેતી મહિલાનું ઝેરી દવા ગટગટાવી જઈ મોત નીપજ્યું છે. જયારે ઓરબી તાલુકાના ઘુંટુ ગામ ખાતે રહેતી મહિલાનું કામ કરતી વેળાએ હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે.
પ્રથમ બનાવમાં, ટંકારાનાં લખધીરગઢ ખાતે રહેતી લીલાબેન હિરાભાઇ નાયડ નામની યુવતીએ ગત તા.૨૭/૦૩/૨૦૨૩ ના રાત્રીના આઠેક વાગ્યેના અરસામાં લખધીરગઢ ગામે ખેમભાઇના મકાનમાં કોઇ કારણોસર ઝેરી દવા પી જતા તેને પ્રથમ સારવાર માટે ટંકારા સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, મોરબી તાલુકામાં આવેલ એન્ટિક માર્ગોલાઈટ કારખાનામાં લગધીરપુર રોડ ખાતે રહેતી શિવબિલાસ શિવભજન ગૌર નામની મહિલાને ગઈકાલે એન્ટિક માર્ગોલાઈટ કારખાનામાં કામ કરતી વખતે અચાનક છાતીમા દુખાવો ઉપડતા તેમને શિવેન્દ્રભાઇ દ્વારા તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત નીપજ્યું હતું. જેને લઈ ફરજ પર હાજર ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.