ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ માસને ભક્તિ, ઉપાસના અને સેવાભાવ માટે સૌથી પવિત્ર ગણવામાં આવે છે. ભોળાનાથની કૃપા મેળવવા માટે અનેક જપ, તપ અને ઉપવાસ કરી શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરતા હોય છે. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપે શ્રાવણ માસના પ્રથમ સોમવારે મોરબીમાં છેલ્લા 17 વર્ષની પરંપરા મુજબ પહેલા શિવને પ્રતીકાત્મક દૂધ અર્પણ કર્યા બાદ બાળકોને દૂધપાક ખવડાવી જીવ રાજી તો શિવ આપોઆપ રાજીનો સંદેશ આપ્યો છે.
મોરબીમાં અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા માનવ ધર્મ નિભાવવાનો સંદેશ આપતા યંગ ઇન્ડિયા ગ્રુપે છેલ્લા સતત 17 વર્ષોથી શ્રાવણના દરેક સોમવારે વિશિષ્ટ “સમવેદના અભિયાન” ચલાવવામાં આવે છે. ત્યારે ગઈકાલે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પહેલા દૂધનો શિવલિંગ ઉપર પ્રતીકાત્મક અભિષેક કરીને પછી જ ઝૂંપટપટ્ટીના વંચિત બાળકોને દૂધનો દૂધપાક બનાવી પુરી- શાક સાથેનું શુદ્ધ સ્વાદિષ્ટ ભોજન કરાવી જીવ રાજી તો શિવ આપોઆપ રાજીનો સંદેશ આપ્યો છે. યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક ડૉ. દેવેન રબારીની આગેવાની હેઠળ, શ્રાવણના પ્રથમ સોમવારે મોરબીના વિવિધ વિસ્તારમાં સેવા પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી.
ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, આ અભિયાન ભગવાન શિવજીની કૃપાથી સતત ૧૭ વર્ષોથી અવિરત ચાલી રહ્યું છે. યથાશક્તિ ભક્તિ અને યથાવસર સેવા એ જ આપણા સંસ્કાર છે. આ બાળકો માટે થતી દરેક સુખદ ક્ષણ આપણાં માટે ભોળાનાથનો આશીર્વાદ સમાન છે.ભક્તિ માત્ર મંદિરમાં પૂજા કરવા સુધી સીમિત નથી હોતી.
જ્યારે ભોળાનાથના રૂપમાં બાળકોની સેવાઓ કરીએ, ત્યારે એ સર્વોત્તમ ઉપાસના બને છે. શ્રાવણ માસે સમાજ માટે કંઈક કરવું એ જ ભોળેનાથ માટે શ્રેષ્ઠ અર્પણ છે. યંગ ઇન્ડિયા ગ્રુપના યુવાનો માત્ર ભોજન વિતરણમાં જ નહીં, પણ કાર્યક્રમના સમગ્ર આયોજન અને વ્યવસ્થાપનમાં દ્રઢ પ્રતિબદ્ધતાથી જોડાયા હતા અને નાના બાળકોના હાથમાં ભોજન રાખતી વખતે તેમના ચહેરા પર ફેલાયેલું સ્મિત એજ સાચા શ્રાવણ સોમવારની ભક્તિ હતી.