કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે હજુ પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે મોરબી રાજપૂત કરણી સેનાના પ્રમુખ દ્વારા રૂપાલાને ચીમકી ઉચ્ચારવામા આવી છે.
ગુજરાતમાં રૂપાલા સામેનો ક્ષત્રિયોનો વિરોધ શાંત પડવાને બદલે સતત વધી રહ્યો છે. રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલા માટે કરેલા વિવાદિત નિવેદનથી સમગ્ર સમાજમાં રોષ છે. વિવાદ અને વિરોધનો વંટોળ થંભવાનું નામ નથી લેતો. આ તમામ વિવાદ વચ્ચે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને મેદાને ઉતાર્યા હતા. તેઓ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરીને મામલે સમાધાન લાવવાનો પ્રયાસ કર્યો હતો, અને મુદ્દે જ ગોંડલના શેમળામાં એક બેઠક યોજાઇ હતી. ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપના પૂર્વ ઘારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આ બેઠકમાં ઉપસ્થિત હતા અને જયરાજસિંહ જાડેજા આ મામલાને થાળે પાડવાની કોશિશ કરી હતી. જો કે જયરાજસિંહની આ કોશિશ સામે ક્ષત્રિય સમાજ નારાજ થયો હતો, અને આગળ લડત આપવાનું ચાલુ રાખ્યુ છે. ત્યારે હવે મોરબી રાજપૂત કરણી સેનાના પ્રમુખ મેદાને આવ્યા છે અને તેમણે પરસોત્તમ રૂપાલાને ચેતવણી આપી દીધી છે. મોરબી રાજપૂત કરણી સેનાના પ્રમુખ જયદેવસિંહ જાડેજા દ્વારા રૂપાલાને ચેતવણી આપી છે કે, જો તેમનામાં હિંમત હોય તો મોરબી જિલ્લાના ટંકારામાં સભા કે રેલી કરીને બતાવે તેવી ચીમકી ઉચ્ચારી છે.