હળવદના જુના દેવળીયા ગામ ખાતે રહેતા એક યુવક સાથે હનીટ્રેપ જેવી ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જેમાં યુવકને દ્વારકેશ લોન કંપની ના નામે પ્રિયા નામની યુવતીનો લોન માટે અવાર નવાર ફોન આવતો હતો અને યુવક ફોન માં વાતો કરતો હોય જેને લઇ પ્રિયાના પતિએ યુવકને ફોન કરી ધમકાવી મારી પત્ની સાથે વાત કેમ કરશ તેમ કહી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જે બાદ બે શખ્સોએ સમાધાનના ૧૦ લાખ આપવાના રહેશે તેમ કહી યુવક અને તેના પિતાને ધમકાવી ઘરેથી ઉપાડી જઈ મારી નાખવાની ધમકીઓ આપતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદના જુના દેવળીયા ગામે રહેતા કૃણાલભાઇ વિનોદભાઇ અઘારા નામના યુવકના વોટ્સએપ પર કોલ કરી પ્રિયાબેન રાજકોટ દ્વારકેશ ઓટોલીંક નામની ફાયનાન્સ પેઢીમાંથી બોલુ છુ તમારે કાર ઉપર લોન જોઇતી હોય તો કહો તેમ કહી અવાર-નવાર યુવક સાથે ફોન પર વાત કરતા હોય જેનો ગેરલાભ લઇ શ્યામ રબારી નામના રાજકોટના શખ્સે યુવકને ફોન કરી ધમકાવી જેમ ફાવે તેમ ગાળો દઇ “તુ મારી પત્નિ સાથે ફોન પર કેમ વાતો કરે છે” તેવુ કહી ઘરેથી ઉપાડી જઇ જાનથી મારી નાંખવાની ધમકી આપતા ટંકારાના બંગાવડી ખાતે રહેતા જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા મોરબીના શકત સનાળા ખાતે રહેતા રવીભાઇ દીલીપભાઇ ખટાણા નામના બે શખ્સોએ વચ્ચે પડી શ્યામ રબારી સાથે સમાધાનની વાત થઇ ગયેલ છે અને તે પેટે અમોએ તેને રૂપીયા દસ લાખ ચુકવી દીધેલ છે. જે રૂપીયા તારે ગમે તે ભોગે અમને આપવા પડશે તેવી ફરિયાદીને ધમકી આપતા ફરિયાદીએ પોતાનો મોબાઇલ ફોન બંધ કરી દેતા જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને રવીભાઇ દીલીપભાઇ ખટાણાએ ફરિયાદી યુવકના પિતા વિનોદભાઇ અઘારાના મોબાઇલ ફોન પર ફોન કરી તમારા દિકરાનુ સમાધાન કરાવેલ છે તેના રૂપીયા દસ લાખ તમારે આપવા પડશે. નહીતર તમારા દિકરાને ઘરેથી ઉપાડી જઇ મારી નાંખશુ તેવી ફોન ઉપર અવાર-નવાર બળજબરીથી નાંણા કઢાવી લેવા મૃત્યુના ભયમાં મુકવાની ધાક ધમકી આપી જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો દેતા સમગ્ર મામલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.