હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચરાડવા ગામની હદ વિસ્તારમાં કે.ટી.મિલ પાસે હિસ્ટ્રીશીટર દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી પતરાની દુકાનો ખડકી દેવામાં આવી હતી જે બાંધકામનું આજરોજ ચરાડવા તલાટી મંત્રીની હાજરીમાં ડીમોલેશન કરવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન મુજબ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચરાડવા ગામની હદ વિસ્તારમાં કે.ટી.મિલ પાસે સદામ ગુલમહમદ ભટ્ટી વિરુધ્ધમાં ઈંગ્લીશ, દેશી દારૂના, મારામારીના, અપહરણના તેમજ અન્ય અલગ અલગ ગુન્હાઓ દાખલ થયા છે. જે અસામાજિક તત્વની સરકારી જમીન ઉપર આવેલ કબજા ભોગવટાની બે દુકાનોની ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે જમીન આશરે 32 ચોરસ મીટર જંત્રી મુજબ કિંમત અંદાજે 26,550/–નું દબાણ કરી પતરાની દુકાનો બનાવી હતી. જેનું ચરાડવા તલાટી મંત્રીની હાજરીમાં ડિમોલેશન કરવામાં આવ્યું છે.