મોરબીમાં મણી મંદિર પાસે આવેલી દરગાહનું ગેરકાયદેસર દબાણ આજે વહીવટી તંત્ર દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યું હતું. આ દરગાહના દબાણને દૂર કરવા માટે અગાઉ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને લેન્ડિંગનો ગુનો પણ દાખલ થયો હતો. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ મોરબી શહેરના પ્રખ્યાત હેરિટેજ સ્થળ મણિમંદિર પાસે આવેલું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા 10 JCBની મદદથી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં હેરિટેજ મણીમંદિર પેલેસની બાજૂમાં ગેરકાયદે દરગાહ તોડી પડાઈ હતી.જેમાં રાજકોટ રેન્જ ના તમામ જિલ્લાઓમાંથી પોલીસના ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ૨૦૨૨ માં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ દરગાહના મુંજાવર વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી.
જો કે જામીન પર છૂટ્યા બાદ મુંજાવરનું કુદરતી અવસાન થયું હતું.તેમજ આ જગ્યાને લઈને કાનૂની લડત પણ ચાલુ હતી તે દરમિયાન હાઈકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો હતો જે સ્ટે હટી ગયા બાદ આ દબાણ દૂર કરવા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી પરંતુ દબાણ દૂર ન કરવામાં આવતા તંત્ર દ્વારા આજે આ ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ હતી.
ત્યારે ડીમોલિશન સાઇટ આસપાસ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમજ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સતત પેટ્રોલિંગ શરુ કરવામાં આવ્યું છે.
તેમજ સોશિયલ મીડિયા પર પણ પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથક બહાર લોકોના ટોળા એકઠા થયા હતા. જેમાં ટોળાએ પોલીસ મથક બહાર સાઈન બોર્ડમાં તોડફોડ કરી હતી. ત્યારે ઘટનાને લઇ શહેરભરમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયુ હતું. અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવવા પોલીસ સતર્ક બની છે. જેને લઇ મોરબી શહેરમાં દુકાનો ટપોટપ બંધ થઇ હતી.









