મોરબી જીલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામની મંજૂરી પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણય અનુસાર હવે ગ્રામ પંચાયત વિસ્તારમાં બાંધકામની પરવાનગી આપવાની સત્તા ફરીથી ગ્રામ પંચાયતને સોંપવામાં આવી છે. અગાઉ લાગુ કરાયેલા પરિપત્રોને રદ્દ કરાતા ગ્રામજનોને તાલુકા કક્ષાની લાંબી પ્રક્રિયાથી રાહત મળશે.
મોરબી જીલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામની મંજૂરી આપવાની પ્રક્રિયામાં નોંધપાત્ર અને મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણય મુજબ હવે ગ્રામ પંચાયત વિસ્તારમાં બાંધકામની પરવાનગી આપવાની સત્તા ફરીથી જે-તે ગ્રામ પંચાયતને પરત સોંપવામાં આવી છે. આ નિર્ણયથી ગ્રામ્ય સ્તરે વહીવટી પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે તેમ જણાવાયું છે. અગાઉ જીલ્લા પંચાયત દ્વારા સમયાંતરે બાંધકામ પરવાનગી બાબતે વિવિધ નિયમો અને સૂચનાઓ બહાર પાડવામાં આવી હતી. જેમાં તત્કાલિન જીલ્લા વિકાસ અધિકારી દ્વારા સરકારના પરિપત્રના અમલરૂપે ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામની મંજૂરી તાલુકા પંચાયતના એન્જિનિયર પાસેથી લેવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને લઈને છેલ્લી બે સામાન્ય સભામાં ભારે ચર્ચા અને વિરોધ જોવા મળ્યો હતો. સભ્યો તેમજ ગ્રામજનો દ્વારા આ પરિપત્રને રદ્દ કરવાની જોરદાર માંગ ઉઠી હતી.
આ મુદ્દાને પગલે ગત તા.૦૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ યોજાયેલી સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો દ્વારા ઠરાવ નંબર ૨૫૬ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઠરાવ દ્વારા અગાઉ બહાર પાડવામાં આવેલા તમામ સૂચનાઓ અને પરિપત્રોને બહુમતીથી રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઠરાવના અનુસંધાને ઇન્ચાર્જ જીલ્લા વિકાસ અધિકારીએ બાંધકામ પરવાનગી સંબંધિત છેલ્લા દોઢ વર્ષ દરમ્યાન બહાર પાડવામાં આવેલા ત્રણ પરિપત્રોને સત્તાવાર રીતે રદ્દ કરી દીધા છે. જીલ્લા વિકાસ અધિકારીએ તમામ તાલુકા વિકાસ અધિકારીઓ (TDO) ને સ્પષ્ટ સૂચના આપી છે કે ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ ૧૦૪ મુજબ ગ્રામ પંચાયત વિસ્તારમાં બાંધકામ મંજૂરી આપવાની સત્તા ગ્રામ પંચાયતની જ છે. આથી હવેથી ગ્રામ પંચાયતોએ નિયમો અને કાયદા મુજબ પોતાની કક્ષાએથી જ બાંધકામની પરવાનગી આપવાની રહેશે.









