છેલ્લા વીસ દિવસોથી તલાટી કમ મંત્રીઓ પડતર માંગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા હતા. ત્યારબાદ રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ રાજ્યના તલાટી કમ મંત્રીઓની પડતર માંગને સંતોષવાની બાંહેધરી આપતા હડતાળ સમેટાઈ છે. સરકાર દ્વારા હકારાત્મક વલણ દાખવતા હાલ હડતાળ મોકૂફ રાખવામાં આવી હતી.
તલાટીઓ દ્વારા કરવામાં આવેલ પાંચ માંગણીઓમાથી ચાર માંગણીઓ સરકારે સ્વીકારી છે. જેમાં વર્ષ ૨૦૦૬ પહેલા ફીકસ પગારથી નિમણૂંક થયેલ તલાટી-કમ-મંત્રીને તા.૧૮/૦૧/૨૦૧૭ નાણાં વિભાગના પરિપત્ર મુજબ તેમની સેવાઑ સળંગ ગણવાની માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તેમજ પ્રથમ ઉચ્ચત્તર પગારધોરણ માટે ખાતાકીય પરીક્ષાના નિયમો બન્યા બાદ પ્રથમ પરીક્ષા લેવાયા તે તા.૨૨-૧૧-૧૯ સુધી પાત્રતા ધરાવતા તલાટી-કમ-મંત્રીને પ્રથમ ઉચ્ચત્તર પગારધોરણ માટે પરીક્ષામાંથી મુક્તિ આપવાની માગણી અંગે હકારાત્મક વિચારણા દાખવવા આવી છે.
બીજા ઉચ્ચત્તર પગારણ મંજૂર કરવા માટે પ્રથમ અને બીજા ઉચ્ચત્તર પગારધોરણ માટે એક જ અભ્યાસક્રમ હોવાથી બીજા ઉચ્ચત્તર પગારધોરણ મંજુર કરવા પરીક્ષામાંથી મુક્તિ આપવા અંગે હકારત્મક વિચારણા કરવામાં આવેલ છે. પરંતુ બઢતી માટે પરીક્ષા આપવાની રહેશે. તેવી જ રીતે મહેસુલી તલાટી અને પંચાયતી તાલાટીના જોબ ચાર્ટ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં અધિક મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવ સામાન્ય વહીવટ વિભાગ એમ ત્રણ વિભાગના વડાઓની સમિતિ આ અંગે ચર્ચા વિચારણા કરશે. તેવું જણાવવામાં આવ્યું છે. તેમજ પંચાયતી તલાટી કમ મંત્રીને તા.૧/૧૦/૨૦૧૨ ના ઠરાવથી મળતું રૂ.૯૦૦/-નું ખાસ ભથ્થું વધારીને રૂ.૩૦૦૦/- કરવા વિચારણા કરવામાં આવેલ છે.