મોરબીમાં એક જ દિવસમાં અલગ અલગ સ્થળોએ ચાર અપમૃત્યુના બનાવ પોલીસ ચોપડે નોંધાતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી હતી. અપમૃત્યુના નોંધાયેલ બનાવોમાં એક પરિણીતા સહીત ચાર લોકોના મૃત્યુ નિપજ્યા હતા.
ત્યારે અપમૃત્યુના પ્રથમ બનાવમાં ટંકારા તાલુકાના વાઘગઢ ગામે રહેતા ૪૫ વર્ષીય દિનેશભાઈ અરજણભાઈ બોપલીયા રાત્રે સુતા બાદ સવારે તેમને જગાડેલ ત્યારે જગ્યા ન હતા તેથી પરીજનો દ્વારા દિનેશભાઇને બેભાન હાલતમાં ટંકારા સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારે ટંકારા હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરે દિનેશભાઇને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. જે મૃત્યુના બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ટેલીફોનીક જાણ કરતા પોલીસ ટીમ ટંકારા હોસ્પિટલ ખાતે પહોંચી ખાતાકીય કાર્યવાહી પૂર્ણ કરી અપમૃત્યુના બનાવની ટંકારા પોલીસ મથકમાં અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
જયારે બીજા બનાવમાં મૂળ ઉત્તરપ્રદેશના વતની હાલ ઘુંટુ ગામ નજીક સીરામીક ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા યુવકને તેની વાગ્દતા સાથે મોબાઇલ ફોન ઉપર બોલાચાલી થતા જે બાબતનું લાગી આવતા યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર અપમૃત્યુના બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના ઘુંટુ ગામ લગધીરપુર રોડ ઉપર કેરોનાઇટ કજારીયા (મેટ્રો પોલ)સીરામીકના કારખાનાની લેબર કોલોનીની ઓરડી નંબર-૬૫માં રહેતા મૂળ યુ.પી. રાજ્યના લખાનપુર પોસ્ટ પીપરીના રહેવાસી ૨૩ વર્ષીય અખીલેશ ખરપતુભાઇ વર્મા પોતાની વાગ્દતા લક્ષ્મી નામની યુવતી સાથે કોઇ કારણસર મોબાઇલ ફોનમા બોલાચાલી ઝઘડો થતા જે બાબતનું અખીલેશને લાગી આવતા પોતે પોતાની જાતે કેરોનાઇટ સીરામીક કારખાનાની લેબર કોલોનીની ઓરડી નંબર-૬૫ ના છતના ભાગે લગાવેલ પંખા સાથે ઓઢવાની સાલના ગમચા વડે ગળેફાસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મરણ જતા મોરબી તાલુકા પોલીસે અકાળે મોતની નોંધ કરી હતી.
અપમૃત્યુના ત્રીજા બનાવમાં લખધીરપુર ગામે ચામુંડા માતાજી મંદિર પાછળ રહેતા રવિનાબેન રાહુલભાઇ બારૈયા ઉવ.૨૧ એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લઇ જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે રવિનાબેનના મૃતદેહને તેમના પતિ રાહુલભાઈ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવેલ હતા. વધુમાં મૃતક રવિનાબેનના ત્રણ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. અને ત્રણ વર્ષના લગ્નગાળા દરમિયાન સંતાન નહિ હોવાની પ્રાથમિક વિગતો જણાવી હતી. ત્યારે હાલ મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે અ.મોતની નોંધ કરી વહુ તપાસ શરૂ કરી છે.
જયારે ચોથા બનાવમાં મોરબી-૨ ભડીયાદ વિસ્તારમાં રહેતા જયસિંગ રાઘવસિંગ ઉવ.૪૫ કારખાનામાં પતરા ચડાવવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે ગઈકાલે તા.૨૬/૦૪ના રોજ જયસિંગ મોરબી સામાકાંઠા વિસ્તારમાં ભડીયાદ રોડ ઉપર આવેલ ૭૭૭ નામના કારખાનામાં પતરા ચડાવવાનું કામ કરતી વેળાએ અકસ્માતે ઉંચાઈ ઉપરથી નીચે જમીન ઉપર પટકાતા તેનું મોત નીપજ્યું હતું. મૃતક જયસિંગની ડેડબોડી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. ત્યારે હાલ મોરબી બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ દાખલ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.