હળવદ તાલુકામાં એક પરિણીતાએ એક શખ્સ દ્વારા વારંવાર ફોન કરીને અશ્લીલ વાતો કરવી અને રૂબરૂમાં હાથ પકડી જાતીય સતામણી કરવાના કારણે માનસિક તણાવમાં આવી ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં ભોગ બનનાર પરિણીતાને પ્રથમ હળવદ અને બાદમાં ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાંથી પીડીતાએ હળવદ પોલીસ સમક્ષ આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરવા ફરીયાદ નોંધાવી છે.
હળવદ તાલુકાના ગ્રામ્યમાં રહેતા પરિણીતાએ પોલીસ સમક્ષ ફરીયાદ નોંધાવી છે કે, તેના લગ્ન આશરે અગિયાર મહિના પહેલા થયા હતા અને હાલ તે પિયરમાં માતા-પિતા સાથે રહે છે. જ્યાં આરોપી કાનાભાઈ હમીરભાઈ કોળી રહે.ગોલસણ તા.હળવદ વાળા દ્વારા તેણીના મોબાઈલ ઉપર વારંવાર ફોન કરીને ખરાબ વાતો કરવામાં આવતી હતી. યુવતીએ ફોન ન કરવા ચેતવણી આપ્યા છતાં આરોપી ફોન કરતો રહ્યો હતો. ત્યારે ગઈ તા.૦૩/૦૧/૨૦૨૬ના રોજ પરણિતા ગોલાસણ ગામે હનુભા ગઢવીની વાડીએ હતા, તે દરમિયાન ઉપરોક્ત આરોપી કાનાભાઈ કોળી ત્યાં આવી તેણીનો હાથ પકડી હેરાન કરવા લાગ્યો હતો જેથી દેકારો કરતા આરોપી ત્યાંથી નાસી ગયો હતો. આ ઘટનાનું પરિણીતા ને મનમાં લાગી આવતા, તુવેરના પાકમાં ઇયળ મારવાની ઝેરી દવા પી લીધી હતી. ત્યારે પરિવારજનોએ તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. હાલ પરિણીતાની સારવાર ચાલુ છે અને તે સંપૂર્ણ ભાનમાં હોય જેથી ભોગ બનનારની ફરિયાદને આધારે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









