મોરબીમાં અસામાજિક તત્ત્વોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં જૂની અદાવતનો ખાર રાખી આંઠ જેટલા ઈસમોએ ટોળું બનાવી યુવકના ઘર પર હુમલો કર્યો હતો. અને અપશબ્દો ભાંડી ઘરમાં તથા ઘર પાસે પાર્ક કરેલ વાહનોમાં તોડફોડ કરી હતી. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં લગધીરપુર રોડ, કેનાલની બાજુમાં, ડીઝીટલ કારખાનાની ઓરડીમાં, ઘુટુ ગામની સીમમાં રહેતા સુનિતાબેન ખીમજીભાઇ પરમારના ભાઇ અજય તથા આરોપી ગજન રમેશભાઇ બારોટને અગાઉ માંથાકુટ થયેલ હોય જેનો ખાર રાખી રાજેશભાઇ કિશોરભાઇ સુમેસરા, દક્ષાબેન રાજેશભાઇ સુમેસરા, ભાવેશ ઉર્ફે કાલી કિશોરભાઇ સુમેસરા, પિન્ટુ પરમાર, ગજન રમેશભાઇ બારોટ, કીશોરભાઇ મેઘજીભાઇ સુમેસરા, જશુબેન કિશોરભાઇ સુમેસરા તથા ધર્મેશ કિશોરભાઇ સુમેસરા (રહે.રફાળેશ્વર તા.જી.મોરબી)એ ગેરાયદેસરની મંડળી રચી પ્રાણઘાતક હથિયાર ધારીયુ તથા લાકડાના ઘોકા તથા ઇંટુના કટકા સાથે ફરીયાદીના ભાઇ અજયભાઇ જગદિશભાઇ ચૌહાણના ઘર પાસે પહોંચી ફરીયાદી તથા સાહેદોને ભુંડી ગાળો આપી, અજયને જાનથી મારી નાખવાની ધમકી આપી, ફરીયાદીના મકાનના આગળ-પાછળના દરવાજામાં તથા બારીઓમાં તથા સાહેદ-સુલતાન ઉર્ફે પારસની ક્રેટા ગાડીમાં, ધારીયાથી તથા લાકડાના ધોકા તથા ઇંટુના કટકાના ઘા મારી નુકશાની કરતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.