માળીયા(મી)ના અંજીયાસર ગામે અગાઉ કુટુંબની દીકરી સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યા હોય તે બાબતે અણબનાવ ચાલતો હોય જેનો ખાર રાખી દીકરીના પરિવારજનોના ત્રણ સભ્યોને ગાળો આપી છરી તથા પાઇપથી હુમલો કરાયો હતો. જે હુમલામાં પરિવારના એક સભ્યને પેટના ભાગે છરીનો ઘા મારી તથા માથામાં પાઇપ ફટકારી ગંભીર ઈજાઓ પહોંચાડતા ચાર શખ્સો સામે માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે ચારેય આરોપીઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી માહિતી અનુસાર માળીયા(મી)ના ભોળીવાંઢ વિસ્તારમાં રહી સેન્ટીંગ કામ તથા ખેતી કરતા શેરમામદભાઇ રાણાભાઇ નોતીયાર ઉવ.૩૧ એ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી રસુલ વલ્લીમામદ ઉર્ફે બચુભાઇ માણેક, હાસમ વલ્લીમામદ ઉર્ફે બચુભાઇ માણેક, અવેશ વલ્લીમામદ ઉર્ફે બચુભાઇ માણેક તથા સદીક રસુલ માણેક રહે.બધા નવા અંજીયાસર તા-માળીયા મી. જી.મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપી રસુલ વલ્લીમામદ માણેક દ્વારા ફરીયાદી શેરમામદભાઈના બાપુજીની ફઈની દિકરીને ભગાડી લઈ જઈ તેની સાથે પ્રેમલગ્ન કરેલ હોય જેથી શેરમામદભાઈને તથા તેમના કુટુંબીઓને રસુલ વલ્લીમામદ માણેક સાથે અણબનાવ હોય જેનો ખાર રાખી ગત તા. ૧૨/૦૫ના રોજ રાત્રે આરોપીઓએ શેરમામદભાઈ તથા તેની સાથેના ગફૂરભાઇ અને અનવરભાઈ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી એકદમ ઉશ્કેરાઈ જઈ આરોપી રસુલ તથા હાસમ વલ્લીમામદએ છરી વડે ગફુરભાઈ આમદભાઇ પારેડીને પેટના ભાગે તથા પીઠના ભાગે છરીનો ઘા મારી અન્ય આરોપી અવેશ અને આરોપી સદીકભાઈએ ગફુરભાઈને માથાના ભાગે પાઇપથી ઘા મારી ગંભીર જીવલેણ ઇજાઓ કરી હતી. તેમજ અનવરભાઇને હાથના ભાગે સામાન્ય ઇજા કરી હતી. ત્યારે સમગ્ર બનાવ અંગે માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.