દીકરી ઉપર નજર બગાડતા પતિને વારંવાર સમજાવતા ન માનતા પત્નીએ ઘેનના ટીકડા આપી ગળેફાંસો દઈ પતિની કરી હત્યા
હત્યા કરાયેલ લાશને ઠેકાણે પાડતા પત્નીના ભાઈ સામે પણ હત્યાનો ગુનો નોંધાયો
માળીયા(મી) તાલુકાના અંજીયાસર ગામે દીકરી ઉપર નજર બગાડતા ૫૫-વર્ષીય વાસનામાં અંધ પ્રોઢ પતિને ચા અને શાકમાં ઘેનના ટીકડા નાખી બેભાન હાલતમાં તેની પત્ની દ્વારા ચૂંદડી વડે ગળેટૂંપો દઈ હત્યા નીપજાવી હતી. જ્યારે ઘરમાં પડેલ લાશનો નિકાલ કરવા પત્નીએ તેના ભાઈને બોલાવતા લાશને રીક્ષામાં લઇ જઇ માળીયા(મી) મચ્છુ નદીના કાંઠે પાણીની તલાવડીમાં ફેંકી દીધી હતી. બાદમાં બહેનના કહેવાથી સ્થળ ઉપર મૃતકનું બાઈક લઈ જઈ ત્યાં મૂકી દીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે મચ્છુ નદીના કાંઠે ફતેપર જવાના કાચા રસ્તે બાઈકની એંગલમાં ચૂંદડી બાંધેલ અને બીજો છેડો મૃતકના ગળાના ભાગે બાંધેલ શંકાસ્પદ હાલતમાં મળેલ મૃતદેહ બાબતે પીએમ કરાવતા ગળેટૂંપો આપી હત્યા કરાઈ હોવાનું રાજકોટ ફોરેન્સિક તપાસના અહેવાલમાં સામે આવ્યું હતું. ત્યારે હાલ મૃતકના દીકરાની માતા અને મામા સામે નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે બંને આરોપી સામે નવા ફોજદારી કાયદાની હત્યાની કલમ ૧૦૩(૧) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બંને આરોપીની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.
હત્યાના બનાવની પ્રાપ્ત માહિતી મુજબ માળીયા(મી) તાલુકાના અંજીયાસર ગામે રહેતા હાજીભાઈ અબ્દુલભાઈ મોવર ઉવ.૫૫નો મૃતદેહ માળીયા(મી) મચ્છુ નદીના કાંઠે ફતેપર જવાના કાચા રસ્તે આવેલ તલાવડીના પાણીમાં ગળામાં ચૂંદડી બાંધી ચૂંદડીનો બીજો છેડો બાઈકના એન્ગલમાં બાંધેલ હાલતમાં ડૂબી ગયેલ હાલતમાં મળી આવતા આ શંકાસ્પદ મૃત્યુ અંગે માળીયા(મી) પોલીસે અ.મોત અંગે નોંધ કરી લાશને રાજકોટ ફોરેન્સિક પીએમ માટે ખસેડી હતી. ત્યારે હાલ પોલીસ તપાસમાં તેમજ મૃતકના દીકરા સાહિલ હજીભાઈ મોવર ઉવ.૨૩ની ફરિયાદમાં જણાવેલ મુજબ તેની માતા શેરબાનુ હાજીભાઇ મોવર દ્વારા તેના પિતા હાજીભાઈ મોવરની હત્યા નીપજાવી હોવાનું જણાવ્યું હતું. જેમાં ફરિયાદી સાહિલના પિતા મૃતક હાજીભાઈ તેની નાની બહેન ઉપર વાસનામાં અંધ થઇ નજર બગાડતા હોય જે બાબતે માતાપિતાને વારંવાર ઝઘડા થતા હોય ત્યારે અનેક વખત સમાવવા છતાં ન સમજેલ પોતાના પિતાને ચા અને શાકમાં ઘેનના ટીકડા નાખી બેભાન હાલતમાં તેની માતા દ્વારા મૃતકને ચૂંદડી વડે ગળેટૂંપો દઈ મારી નાખી હત્યા નિપજાવી હતી. જે બાદ લાશને ઠેકાણે પાડવા માળીયા(મી)ના ખીરઈ ગામે રહેતા સાહિલના મામા ઇમરાનભાઈ હૈદરભાઈ ખોડને બોલાવતા તેઓ રીક્ષામાં લાશને ભરીને મચ્છુ નદીના કાઠે આવેલ પાણીથી ભરેલ તલાવડીમાં ફેંકી દીધેલ હોય બાદમાં જ્યારે લાશ બહાર ન આવે તે માટે તેની માતા શેરબાનુ દ્વારા મામા ઇમરાનભાઈને પતિનું બાઈક સ્થળ ઉપર છોડી આવવા જણાવતા ઇમરાનભાઈ બાઈક સાથે ચૂંદડી બાંધી હાજીભાઈના મૃતદેહને તલાવડીમાં ફેંકી દીધો હતો.
હાલ સાહિલભાઈ હાજીભાઈ મોવરની ફરિયાદના આધારે આરોપી શેરબાનુ હાજીભાઈ મોવર
રહે. માળીયા(મી) તાલુકાના અંજીયાસર ગામ તથા આરોપી ઇમરાનભાઈ હૈદરભાઈ ખોડ રહે માળીયા(મી) તાલુકાના ખીરઈ ગામ તથા તપાસમાં ખુલ્લે તેની સામે હત્યાનો ગુનો નોંધી માળીયા (મી) પોલીસે બંને આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.