મોરબી તાલુકાના બેલા ગામે મિત્ર વચ્ચેની મશ્કરી દરમિયાન ગાળો બોલવાની ના પાડતા ચાર ઈસમોએ યુવક ઉપર લાકડી અને પથ્થરથી હુમલો કર્યો હતો. હુમલામાં યુવક તથા તેમને છોડાવવા વચ્ચે પડેલી તેમની માતા ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે ચારેય આરોપીઓ સામે વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબી તાલુકાના બેલા ગામે ગત તા. ૨૬/૧૦/૨૦૨૫ રાત્રે બનેલી એક નાનકડી મશ્કરીની ઘટના મારમારીમાં ફેરવાઈ હતી. બનાવ અંગે ફરીયાદી મેહુલભાઈ જયેશભાઈ આચાર્ય ઉવ.૩૭ રહે. બેલા-રંગપર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તેમના મિત્ર સાહીલ સાથે શેરીમાં બેઠેલા હતા ત્યારે ગામના વિવેકભાઈ માધાભાઈ રબારી સાહીલ સાથે મશ્કરીમાં ગાળો બોલી રહ્યા હતા. ફરીયાદી મહુલભાઈએ ગાળો ન બોલવા કહ્યું, જેના કારણે વિવેકભાઈ રબારીએ ઉશ્કેરાયા હતા, જે બાદ આરોપી વિવેકભાઈ પોતાના સાથીદારો જેમલભાઈ જીવણભાઈ રબારી, જગદીશભાઈ જીવણભાઈ રબારી અને નવઘણભાઈ ખોડાભાઈ રબારી સાથે ત્યાં આવ્યા હતા. આરોપી વિવેકભાઈ અને જેમલભાઈએ ફરિયાદી મહુલ આચાર્ય સાથે ગાળો આપીને ઝપાઝપી શરૂ કરી હતી. ત્યારબાદ આરોપી જગદીશભાઈ અને નવઘણભાઈ લાકડીઓ લઈને આવ્યા અને મહુલભાઈને આડેધડ માર મારી ઈજા પહોંચાડી હતી. આ દરમિયાન ફરીયાદી મેહુલભાઈના માતા કનકબેન વચ્ચે પડતા આરોપીઓએ તેમને ધક્કો મારી પાડી દીધા હતા. બાદમાં ચારેય આરોપીઓએ પથ્થર અને લાકડીના ઘા કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ચાલ્યા ગયા હતા. હાલ ભોગ બનનાર મેહુલભાઈની ફરિયાદને આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









