મોરબી જિલ્લા વિકાસ અધિકારીએ તરઘડી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ જ્યોતિબેન મુકેશભાઈ પરમારને ગુજરાત પંચાયત અધિનિયમ -૧૯૯૩ કલમ -૫૭ (૧) હેઠળ પત્ર લખી ઇન્ચાર્જ સરપંચે પોતાના પતિને ગ્રામ પંચાયતનો વહીવટ સોંપી હોદાનો દુરુપયોગ કર્યો છે. ત્યારે તેમના વિરુધ શા માટે પગલાં ન લેવા તેવો જવાબ આપવા માટે મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે ૨૩/૧/૨૦૨૪ના રોજ ૧૨:૦૦ વાગ્યે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મિયાણા તાલુકાના તરઘડી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ જ્યોતિબેન મુકેશભાઈ પરમારના પતિ મુકેશભાઈ હમીરભાઇ પરમારે ઇન્ચાર્જ સરપંચ વતી ગ્રામ પંચાયતના ખરાવાડ તથા ગ્રામ પંચાયતના ખરાબાની જમીનમાં પરદેશી બાલાવ કાપવાની ગ્રામ પંચાયતની મંજૂરી આપવાના અવેજમાં રૂ.૮૦,૦૦૦ ની રકમ લાંચ પેટે ગ્રામ પંચાયતના સભ્ય દામજીભાઇ પોપટભાઈ ગામી સાથે મળીને સ્વીકારતા પકડાઈ જતા ભ્રષ્ટાચાર નિવારણ હેઠળ ગુન્હો દાખલ કર્યો છે. તેમજ ઇન્ચાર્જ ગ્રામ પંચાયતના સરપંચના પતિ વહીવટ કરતા હોવાનું જાહેર થતા પોતે પણ સંકળાયેલ હોવાનું સામે આવતા હોદાનો દુરુપયોગ કરી પોતાના પતિને ગ્રામ પંચાયતનો વહીવટ સોંપેલ છે. તેથી શરમજનક વર્તણુક બદલ ગુજરાત અધિનિયમ -૧૯૯૩ કલમ -૫૭ (૧) હેઠળ શા માટે પગલાં ન કેવા જોઈએ ? તે બાબતનો ખુલાસો કરવા રૂબરૂ મોરબી જિલ્લા પંચાયતની કચેરીએ ૧૨:૦૦ વાગ્યે હાજર રહેવા જાણ કરાઈ છે. તેમજ રૂબરૂ હાજર નહિ રહે તો ઇન્ચાર્જ ગ્રામ સરપંચ કહી કહેવા માંગતા નથી તેમ સમજી કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ પણ મોરબી જિલ્લા વિકાસ અધિકારીએ પત્ર લખી જણાવ્યું છે