માળીયા મીયાણા તાલુકાના દહીંસરા ગામમાં શેરીમાં પાણી નીકળતું હોવાના મનદુઃખને પગલે લોખંડ પાઈપ માથાના ભાગે મારી ઈજા પહોંચાડી હતી. જે મારામારીના બનાવમાં ચાર વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં બે લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જે પૈકી એક નું મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે.જેથી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવા સહિતની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મીયાણા તાલુકાના મોટા દહીંસરા ગામના રહેવાસી ૪૦ વર્ષીય નિર્મલાબેન ચંદુભાઈ મકવાણાએ આરોપીઓ સુરેશ અવચર ઇન્દરીયા, અરુણ અવચર ઇન્દરીયા, વિજય અવચર ઇન્દરીયા અને અશોક અવચર ઇન્દરીયા રહે. બધા મોટા દહીંસરા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૦ ના રોજ સાંજે ફરિયાદી, તેના પતિ ચંદુભાઈ, જેઠાણી મનીષાબેન, જેઠનો દીકરો મેહુલ અને સાસુ વખુબેન ઘરે હતા. ત્યારે પાડોશમાં રહેતા વિજયભાઈના ભાઈ સુરેશ ઇન્દરીયા ઘર પાસે શેરીમાં આવી અહી શેરીમાં પાણી કેમ કાઢો છો ? તેમ કહેતા નિર્મલાબેન અને તેના પતિ ચંદુભાઈ બહાર નીકળી નીકળી કહ્યું કે શેરીમાં અમે પાણી કાઢતા નથી તેમ કહેતા ઉશ્કેરાઈને ગાળો આપવા લાગ્યો હતો. ત્યારે પાડોશમાં રહેતા વિજય, અશોક અને અરુણ લાકડી અને ધોકા લઈને બહાર નીકળ્યા હતા અને સુરેશભાઈ ઘરમાંથી લોખંડ પાઈપ લઈને આવ્યા હતા. પતિને માથાના ભાગે જોરથી પાઈપ મારી તેમજ લાકડાના ધોકાથી માર મારતા ૪૦ વર્ષીય ચંદુભાઈ મકવાણા નીચે પડી ગયા હતા. અને પિતા મહાદેવભાઈ આવી તે બચાવવા જતાં તેને પણ માર મારી ઈજા પહોંચાડી હતી.જે મારામારીમાં પતિ ચંદુભાઈ મકવાણાને ગંભીર ઈજા પહોંચતા રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બનાવ મામલે ફરિયાદ નોંધી આગળ તપાસ ચલાવી હતી. જે બનાવમાં માળિયા પોલીસ મથકના ભરતભાઈ આલ પાસેથી માહિતી મેળવતા તેમને કહ્યું હતું કે ઈજાગ્રસ્ત ચંદુભાઈ મકવાણાનું સારવાર દરમિયાન મોત થયું છે. જેથી બનાવ હત્યામાં પલટાયો છે તેથી પોલીસે હત્યાની કલમો ઉમેરવા કરવા સહિતની તજવીજ હાથ ધરી છે.