નાનાભાઈ તથા તેની પત્નીને પિતા-પુત્ર દ્વારા પાઇપથી માર મારી આપી જાનથી મારી નાખવાની ધમકી
હળવદ તાલુકાના દીઘડીયા ગામે ‘જર, જમીનને જોરૂ ત્રણેય કજીયાનું છોરું એ યુક્તિ મુજબનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખેડાણ માટેની જમીનમાં ભાગ બાબતનું મનદુઃખ રાખી સગા નાનાભાઈ ઉપર મોટાભાઈ તથા તેના દીકરાએ લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ હુમલામાં નાનાભાઈની પત્ની કે જેઓ છોડાવવા વચ્ચે પડતા બંને પિતા-પુત્ર દ્વારા તેમને પણ પાઇપ ફટકાર્યો હતો. ત્યારે સમગ્ર હુમલામાં નાનાભાઈ તથા તેમના પત્નીને માથામાં તથા વાસાના ભાગે ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લઇ બંને આરોપી પિતા-પુત્ર સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર હળવદના દીખડીયા ગામે રહેતા કાળુભાઇ ભીખાભાઇ મકવાણા ઉવ.૪૦ એ હળવદ પોલીસ મથકમાં પોતાના સગા મોટાભાઈ ઠાકરશીભાઈ ભીખાભાઇ મકવાણા તથા ભત્રીજો દેવરાજભાઇ ઠાકરશીભાઈ મકવાણા રહે.દીઘડીયા તા.હળવદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તા.૨૮/૦૫ ના રાત્રીના ફરિયાદી કાળુભાઇ પોતાના પરિવાર સાથે ઘરે હોય ત્યારે આરોપી ઠાકરશીભાઈ તથા દેવરાજભાઇ તેઓના ઘરે આવી અગાઉ દીઘડીયા ગામની સીમમા બામણીયાવાળી વાડી આવેલ હોય જે કાળુભાઈના મોટાભાઈ ઠાકરશીભાઇ ખેડાણ કરતા હોય અને તેમાં કાળુભાઈને કોઇ ભાગ કે ખેડાણ કરવા જમીન આપતા ન હોય જેમાં ભાગ આપવા બાબતે અગાઉ વાત કરેલ હોય અને જમીન ખેડાણ કરવા બાબતે અગાઉ બંન્ને ભાઈઓ વચ્ચે બોલાચાલી થયેલ જે બાબતનુ જુનુ મનદુખ રાખી આરોપી ઠાકરશીભાઈ તથા દેવરાજભાઈએ કાળુભાઈના ઘરે આવી કાળુભાઈને માથામાં તથા પીઠના ભાગે લોખંડના પાઈપ મારી મુઢ ઈજા કરી અને આ હુમલામાં કાળુભાઈને છોડાવવા વચ્ચે પડેલ કાળુભાઈની પત્ની કાંતાબેનને આરોપી ઠાકરશીભાઇ એ લોખંડના પાઇપ વતી પીઠના ભાગે મારી મુઢ ઇજા કરી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી બંને આરોપી પિતા પુત્ર ભાગી ગયા હતા. ત્યારે સમગ્ર બનાવ મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.