મોરબીનાં ઘૂંટુ ગામે ખાનગી કંપની અથવા ફેકટરીનું વેસ્ટ/ગંદું કેમિકલયુકત ઝેરી પાણી કેનાલમાં ટેન્કરો મારફતે ઠાલવવામાં આવતું હોવાની માહીતી મળતા ગ્રામજનો દ્વારા ઘૂંટુ ગામે આવેલ કેનાલ પાસે જનતા રેડ કરી હતી અને ટેન્કર ચાલકને પકડી પાડી સમગ્ર મામલે પોલીસ અને જીપીસીબીને જાણ કરી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં ઘૂંટુ ગામ પાસેથી પસાર થતી કેનાલના પાણીમાં ઝેરી કેમિકલ ઠાલવવાનું કૌભાંડ ઘૂંટુ ગ્રામજનોએ ઝડપી પાડ્યું છે. ખાનગી કંપનીઓ દ્વારા બેરોકટોક કેમિકલયુક્ત પાણી કેનાલમાં ઠાલવવાનો ગોરખધંધો ચલાવવામાં આવી રહ્યો હતો. જેના પર મોડી રાત્રે ગ્રામજનોએ જનતા રેડ કરી કેમિકલ ઠાલવવા આવેલ ટેન્કરને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. અને સમગ્ર મામલે પોલીસ અને જીપીસીબીને જાણ કરવામાં આવી હતી. જેને લઇ પોલીસ કાફલો તથા જી.પી.સી.બી. ની ટીમ સ્થળ પર પહોંચતા ગ્રામજનોએ ટેન્કર ચાલકને પોલીસ હવાલે કર્યો હતો. તેમજ જીપીસીબી દ્વારા કેમિકલ ના સેમ્પલ લેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.