હળવદના રાણેકપર રોડ નજીક ગઈકાલ મોડી સાંજે આશરે ૭.૪૫ વાગ્યે માર્કેટિંગ યાર્ડના વેપારીને નિશાન બનાવતા બે અજાણ્યા શખ્સોએ આંખમાં મરચું નાખી સાત લાખ રૂપિયાનો થેલો છીનવી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ સાથે સ્થાનિક લોકો પણ લૂંટારૂઓની શોધખોળમાં જોડાયા હતા.
હળવદ શહેરમાં મોડી સાંજે બનેલી એક ગંભીર લૂંટની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. રાણેકપર રોડ પર સ્થિત આનંદ બંગલો સોસાયટીમાં રહેતા રજનીભાઈ નામના વેપારી માર્કેટિંગ યાર્ડમાંથી પોતાની દૈનિક વેપારની રકમ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે બે અજાણ્યા શખ્સોએ અચાનક રજનીભાઈની આંખમાં મરચું નાખી, તેમની પાસે રહેલો રૂપિયા ૭ લાખ ભરેલો થેલો ઝૂંટવી લીધો અને ફરાર થઈ ગયા હતા. બનાવ આનંદ બંગલો નજીક જ બન્યો હોવાથી આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. લૂંટની જાણ થતા સ્થાનિક પોલીસે તરત જ ઘટનાસ્થળનો ઘેરાવો કરી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જ્યારે લોકોના ટોળેટોળા પણ લૂંટારૂઓની શોધખોળ માટે નીકળ્યા હતા. હાલ હળવદ પોલીસે સમગ્ર ઘટના મામલે ભોગ બનનારની કાયદેસરની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે.









