હળવદ શહેરમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીના અશ્લીલ ફોટા અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા પાંચ લાખની ખંડણી માંગવાનો મામલો સામે આવ્યો છે. બે શખ્સો દ્વારા ફોન પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હતી. ત્યારે સમગ્ર બનાવ અંગેની ફરિયાદના આધારે હળવદ પોલીસે બન્ને આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હળવદ શહેરના ધ્રાંગધ્રા દરવાજા અંદર, રાવલફળી પાસે રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા ફિરોજભાઈ યુનિશભાઈ સંધી ઉવ.૩૦ દ્વારા હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ આજથી અંદાજે એક વર્ષ પહેલાં જમીન લે-વેચ બાબતે અનસભાઈ સંધી અને હાજી સલીમભાઈ સંધી બંને રહે. ધ્રાંગધ્રા સાથે ઓળખાણ અને મિત્રતા થઈ હતી. ત્યારે છેલ્લા દસેક દિવસથી આરોપીઓ દ્વારા ફરિયાદીના મોટા ભાઈ માજીદભાઈ યુનિશભાઈ સંધીના મોબાઈલ પર અવારનવાર ફોન કરી રૂપિયા પાંચ લાખની માંગ કરવામાં આવી રહી હતી. આરોપીઓએ ધમકી આપી હતી કે રૂપિયા નહીં આપે તો તેમના નાનાભાઈ ફરિયાદી ફિરોઝભાઈના અશ્લીલ ફોટા અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે તેમજ જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર બાબત અંગે ફિરોજભાઈને જાણ થતા આ અંગે હળવદ પોલીસ મથકે ઉપરોક્ત બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









