હળવદના સરા રોડ ઉપર આવેલ આલાપ સોસાયટીમાં રહેતા ૬૪ વર્ષીય વૃદ્ધને બે અજાણ્યા શખ્સો દ્વારા ઘરમાં નડતર હોવાનું કહી વિધિ કરાવી પડશે તેમ કહી વૃદ્ધને વિશ્વાસમાં લઇ રૂ.૩૯,૨૦૦/- ખંખેરી ઠગાઈ કરી હતી. ત્યારે સમગ્ર બનાવ અંગે વૃદ્ધને પોતાના સાથે છેતરપિંડી થયાનું ભાન થતા વૃદ્ધ દ્વારા હળવદ પોલીસ મથકમાં બંને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી બને ઠગ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
સમગ્ર બનાવની મળતી માહિતી અનુસાર હળવદના સરા રોડ સ્થિત આલાપ સોસાયટીમાં રહેતા અને નિવૃત જીવન ગાળતા ઈશ્વરભાઈ મહાદેવભાઈ જસાપરા ઉવ.૬૪ને ગત તા.૧૮/૦૩ ના રોજ બે અજાણ્યા ગઠીયા ભટકાઈ ગયા હતા. જે ગઠીયાઓ દ્વારા પોતે તમારી જ્ઞાતિના છીએ તેવી ઓળખાણ આપી ઈશ્વરભાઈને વિશ્વાસમાં લીધા અને જણાવ્યું કે તમારા ઘરમા નડતર છે તેની વિધિ કરવાથી આ નડતર દૂર થઇ જશે તેમ જણાવી ઈશ્વરભાઈને પોતાની વાતના વિશ્વાસમાં લઇ વિધિ કરી વિધિના બહાને રૂપીયા ૩૯,૨૦૦/- લઈ બંને અજાણ્યા ઠગો ત્યાંથી જતા રહ્યા હતા ત્યારે ઈશ્વરભાઈને સમગ્ર બનાવ અંગે પોતાના સાથે છેતરપિંડી થયાનું માલુમ પડતા ઈશ્વરભાઈ દ્વારા બનાવ અંગે બને અજાણ્યા શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસી કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ હેઠળ ગુનો નોંધી બંને અજાણ્યા ઠગ ઈસમોની શોધખોળ શરૂ કરી છે.