હળવદમાં પૈસાની લેતી-દેતી મામલે ચાર યુવકો પર ૫ ઇસમોએ હથિયારો ધારણ કરી હુમલો કર્યો હતો. જેમાં હળવદના યુવાને પોતાના કૌટુંબિક સગાને લગ્ન પ્રસંગ હોવાથી રૂપિયા ઉછીના આપ્યા હોય જે પરત માંગવા જતા પાંચ ઈસમોએ પાઇપ અને ધોકા વડે યુવક તથા તેના ભાઈઓ અને ભત્રીજાને માર મારતા સમગ્ર મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી અનુસાર, હળવદના ભવાનીનગર ઢોરામા રહેતા કુકાભાઇ કરમશીભાઇ જખાણીયાએ તેના કુટુંબીક ધારશીભાઇની દિકરીના લગ્ન હોય જેથી ધારશીભાઇને પૈસાની જરૂરત હોય જેથી પૈસા આપેલ હોય જે પૈસા તે પરત લેવા જતા આરોપીઓને સારૂ ના લાગતા બચુભાઇ વિરજીભાઇ જખાણીયા, ગગજીભાઇ વિરજીભાઇ જખાણીયા તથા મુનાભાઇ સોમાભાઇ જખાણીયાએ લોખંડના પાઇપ તથા રાજુભાઇ ગગજીભાઇ જખાણીયાએ ધોકા તેમજ વિરમ બચુભાઇ જખાણીયાએ પાઇપ વડે કુકાભાઇ પર હુમલો કર્યો હતો. તેટલામાં ફરિયાદીના ભાઈઓ આવી જતા તેના ભાઈઓ વગાભાઇ, અરજણ તથા ભત્રીજા ગોવિંદને પણ આરોપીઓએ ઢોર માર માર્યો હતો. જેમાં ચારેય યુવકો ઈજાગ્રસ્ત થઈ જતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે કુકાભાઇ કરમશીભાઇ જખાણીયાએ પાંચેય આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.