બ્લડ બેંકમાં બ્લડની અછત નિવારવા એક જ દિવસ ના આયોજન થકી આયોજિત કેમ્પ માં ૧૦૫ થી વધુ સેવાભાવી લોકોએ રક્તદાન કર્યું
હળવદ મધ્યે આવેલ મહાદેવનગર ખાતે આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે માધાપરા – ખારીવાડી – મહાદેવનગર સમસ્ત સતવારા સમાજ દ્વારા સી.યુ.શાહ મેડિકલ કોલેજ બ્લડ બેંક સુરેન્દ્રનગરના સહયોગથી સ્વૈચ્છિક રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેમ્પ થકી ૧૦૫ બ્લડ ની બોટલ એકત્ર કરવામાં આવી હતી. આ કેમ્પ માં ૧૫ થી વધુ બહેનો અને ૬૦ વર્ષ થી ઉપરની ઉંમરના ૩ વ્યક્તિ સહિત કુલ ૧૦૫ સેવાવ્રતી લોકો એ સ્વૈચ્છિક રકતદાન કરી નિઃસ્વાર્થ સેવા થકી માનવતા મહેકાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ માં દરેક બ્લડ બેંક માં બ્લડ ની ભારે અછત વર્તાઈ રહી છે જેના કારણે લોહી ની જરૂરિયાત છે તેવા દર્દી નારાયણ ને પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડે છે. એમાં પણ થેલેસેમિયા રોગથી પીડિત બાળકો ને ૭ અથવા ૧૫ દિવસે ફરજિયાત બ્લડ ચડાવવું પડે છે, જો બ્લડ ન મળે તો તેમના જીવન પર ખતરો તોળાય છે. ત્યારે આવા બાળકો માટે સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માં દર બુધવારે થેલેસેમિયા ના બાળકો ને નિઃશુલ્ક બ્લડ ની બોટલ ઉપલબ્ધ કરવામાં આવે છે, સાથે તેમના માટે નાસ્તા અને શુધ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા નિઃશુલ્ક પણે કરવામાં આવે છે.
તવર્તમાન સમયમાં બ્લડ ની અછત હોવાથી આ બુધવારે દર્દીઓને બ્લડ માટે પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડે તેવી કટોકટી જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ અંગે સુરેન્દ્રનગરના સર્વોદય કાર્યકર્તા ગોવિંદભાઈ ભરવાડે હળવદના એક સામાજિક કાર્યકરને જાણ કરતા તેઓએ બ્લડ કેમ્પ કરવા માટે વોટ્સેપ સ્ટેટ્સમાં જાહેર વિનંતી કરી હતી. આ સ્ટેટ્સ જોઈને મહાદેવનગરના રસિકભાઈ ચાવડા એ પોતાના વિસ્તારના યુવાનોને આ બ્લડ કેમ્પ કરવા અંગે ચર્ચા કરી હતી. વિસ્તારના યુવાનોએ આ ઉમદા વિચારને વધાવી લઈ અને એક જ દિવસની તૈયારીમાં સ્વૈચ્છિક રકતદાન કેમ્પ નું આયોજન કર્યું હતું. ખારીવાડી – માધાપરા અને મહાદેવનગર સમસ્ત સતવારા સમાજ ના યુવાનો કેમ્પ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી તેના ફળ સ્વરૂપે એક જ દિવસમાં ૧૦૫ બ્લડની બોટલ એકત્ર થઇ જેથી બુધવારે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો સહિતના દર્દીઓની લોહીની તાતી જરૂરિયાત નિવારી શકાઈ. હવે દર્દીઓને લોહી માટે કોઈ મુશ્કેલી નહિ પડે અને સરળતાથી લોહી મળી રહેશે.
સોશિયલ મીડિયાનો યોગ્ય અને સાર્થક ઉપયોગ અનેક લોકોની જીંદગી બચાવી શકે છે તેની પણ આ ઘટના એક સારૂ ઉદાહરણ બની છે. આ રક્તદાન કેમ્પ ને સફળ બનાવવા માધાપરા – ખારીવાડી અને મહાદેવનગર સમસ્ત સતવારા સમાજ ના યુવાનો માતાઓ બહેનો અને સી.યુ.શાહ મેડિકલ કોલેજ ના સ્ટાફ મિત્રો એ ભારે જહેમત ઉઠાવી હતી.