હળવદમાં માર્ગ અકસ્માતમાં વધુ એક જિંદગી હોમાઈ છે.જેમાં મોરબી માળીયા ચોકડી પાસે ચા પી મોટરસાઈકલ પર પરત ફરતા બે મિત્રોને ટ્રકે હડફેટે લેતા એક યુવકનું મોત નીપજ્યું હતું. જયારે અન્ય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.તેમજ એક મિત્ર નુ મોત થતા બન્ને મિત્રો એ સાથે પીધેલી આ છેલ્લી ચા સાબિત થઈ છે.જયારે ટ્રક ચાલકને સ્થાનિકોએ પકડી મેથી પાક ચખાડી પોલીસને સોંપ્યો હતો.
હળવદમાં મોરબી માળીયા ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મિત્રો ચા પીને પરત ફરતા હતા. ત્યાં કાળ રૂપી ટ્રકે તેમની મોટરસાઈકલને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧૮ વર્ષીય નિરવ હિતેશભાઇ પઢારિયા નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે ક્રિશ સુરેશભાઇ ચૌહાણ નામના ૧૮ વર્ષીય યુવકને ગંભીર ઈજાઓ થતા તેને પ્રાથમિક સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત નાજુક જણાતા ત્યાંથી વધું સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો છે. ત્યારે બનાવને પગલે ટ્રક ચાલકને પકડી લોકોએ મેથીપાક ચખાડ્યો હતો અને બાદમાં પોલીસને સોંપ્યો હતો. તેમજ બનાવની જાણ થતા જ હળવદ પી.એસ.આઇ. કે.એચ. અંબારીયા સહિતનો પોલીસ કાફલો ધટના સ્થળે પહોંચ્યો હતો અને ઓરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.